
કેલિફોર્નિયા
શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ 18 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી આજે 15 જુલાઈના રોજ પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. લગભગ 23 કલાકની મુસાફરી પછી તેમનું ડ્રેગન અવકાશયાન બપોરે 3 વાગ્યે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરશે. રિએન્ટ્રી સમયે તેમના અવકાશયાનનું તાપમાન લગભગ 2,500 °C સુધી પહોંચશે.
ચાર અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા 14 જુલાઈના રોજ સાંજે 4:45 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી માટે રવાના થયા હતા. આ અવકાશયાન 263 કિલોથી વધુ કાર્ગો સાથે પરત ફરી રહ્યું છે. આમાં નાસાના હાર્ડવેર અને 60 થી વધુ પ્રયોગોનો ડેટા શામેલ હશે. અવકાશ સંશોધન માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ અવકાશયાત્રી 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે 4:01 વાગ્યે ISS પર પહોંચ્યા હતા. તેઓ 25 જૂને બપોરે લગભગ 12 વાગ્યે એક્સિયમ મિશન 4 હેઠળ રવાના થયા હતા.
તેમણે કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી. ટેકનિકલ સમસ્યાઓ અને હવામાન સમસ્યાઓના કારણે આ મિશન 6 વખત મુલતવી રાખવામાં આવ્યું હતું.