50 દિવસમાં યુક્રેન સામેનુ યુદ્ધ રોકો નહીં તો 100 ટકા ટેરિફ : ટ્રમ્પની હવે રશિયાને ધમકી

Spread the love

યુરોપિયન યુનિયન ટ્રમ્પ પર વળતો ઘા કરવાની તૈયારીમાં; ફરી ટેરિફવોરના ભણકારા

 

વોશિંગ્ટન ડીસી,
વિશ્વભરના દેશો અને અમેરિકા વચ્ચે ટેરિફ-ટ્રેડવોરનુ ટેન્શન ચાલી રહ્યું છે જયારે પ્રમુખ ટ્રમ્પે રશિયા પર 100 ટકાની ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારી છે. છ દિવસમાં યુક્રેન સાથેનુ યુદ્ધ ખત્મ ન કરે તો આ આકરી ટેરિફની ચેતવણી આપી છે. બીજી તરફ યુરોપીયન યુનિયને અમેરિકા પર તેના જેટલી જ ટેરિફ લાગુ કરવા હિલચાલ કરતા નવા ટેરિફ યુદ્ધના ભણકારા શરૂ થયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં નાટોના જનરલ સેક્રેટરી સાથેની વાતચીતમાં એમ કહ્યું કે, યુક્રેન સામેનું યુદ્ધ 50 દિવસમાં ખત્મ કરવામાં નહીં આવે તો રશિયા પર 100 ટકા જેવા આકરા ટેરિફ ઝીંકાશે.

રશિયા પરની આ લેવી ‘સેકન્ડરી ટેરિફ’ સ્વરૂપે હશે તેવો પણ સંકેત આપ્યો હતો. ટ્રમ્પે અગાઉ રશિયા પાસેથી તેલ-ગેસ કે અન્ય કોઈપણ ચીજ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. બીજી તરફ અમેરિકાએ ઝીંકેલા 30 ટકાના ટેરિફથી અકળાયેલા યુરોપિયન યુનિયને ટ્રમ્પતંત્રને વળતો ઘા મારવાની હિલચાલ શરૂ કરી છે. યુરોપિયન દેશોના વ્યાપાર મંત્રીઓની બ્રુસેલ્સમાં બેઠક થઈ હતી. તેમાં અમેરિકાએ લાગુ કરેલા 30 ટકા ટેરિફ અસ્વીકાર્ય હોવાનુ જાહેર કર્યુ હતું. આકરા ટેરિફથી કંપનીઓ ગ્રાહકો તથા ખુદ રાષ્ટ્રો-સરકારો પર વિપરીત પ્રભાવ પડે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા દબાણ કરવા માટે ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું- હું ઘણી વસ્તુઓ માટે વેપારનો ઉપયોગ કરું છું, પરંતુ યુદ્ધનો અંત લાવવા માટે તે ખૂબ જ સારું છે. ટ્રમ્પે કહ્યું કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 50 દિવસની અંદર યુક્રેન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો તેમના પર 100% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે આ ‘સેકન્ડરી ટેરિફ’ હશે, જેનો અર્થ એ છે કે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો, જેમ કે ભારત અને ચીન, પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે યુક્રેનને વધુ શસ્ત્રો આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રશિયાના હુમલાઓથી બચવા માટે યુક્રેનને શસ્ત્રોની જરૂર છે.

ટ્રમ્પે કહ્યું કે તેમની યોજના હેઠળ, યુરોપિયન દેશો અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદશે અને યુક્રેનને આપશે. યુક્રેનને પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ, શોર્ટ રેન્જ મિસાઇલો, હોવિત્ઝર શેલ અને મિડલ રેન્જની એર-ટુ-એર પ્રહાર કરતી મિસાઇલો આપી શકાય છે. ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ટ્રમ્પે વારંવાર પુતિન પ્રત્યે પોતાની નિરાશા વ્યક્ત કરી. ટ્રમ્પે કહ્યું, ‘મારી પુતિન સાથે હંમેશા સારી વાતચીત થાય છે. હું ઘરે જાઉં છું, ફર્સ્ટ લેડીને કહું છું કે મેં આજે પુતિન સાથે વાત કરી, અમારી ખૂબ સારી વાતચીત થઈ.’ ‘પછી તે કહે છે, ઓહ, ખરેખર, બીજા યુક્રેનિયન શહેર પર હુમલો થયો છે.’ ટ્રમ્પે વધુમાં કહ્યું, ‘પુતિને ક્લિન્ટન, બુશ, ઓબામા, બાઈડનને મૂર્ખ બનાવ્યા. મને મૂર્ખ બનાવી શકશે નહીં. હવે કાર્યવાહી જરૂરી છે. પુતિન જાણે છે કે સોદો શું છે.’ પુતિન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું, ‘મને લાગ્યું કે આપણે ચાર વખત શાંતિ સમજુતી કરી છે, પરંતુ યુદ્ધ ચાલુ રહ્યું. હું યુદ્ધ માટે જવાબદાર નથી, પરંતુ હવે હું તેને બંધ કરાવવા માટે કામ કરી રહ્યો છું.’

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સીએનએનને જણાવ્યું હતું કે આ ‘સેકન્ડરી ટેરિફ’ એવા દેશોને લક્ષ્ય બનાવશે જે રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે, કારણ કે અમેરિકા અને રશિયા વચ્ચે ખૂબ જ ઓછો વેપાર થાય છે. આનાથી રશિયાના અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે. નાટોમાં અમેરિકાના રાજદૂત મેટ વ્હીટેકરે કહ્યું – આ પ્રતિબંધો સીધા રશિયાને નિશાન બનાવતા નથી, પરંતુ તે દેશોને અસર કરશે જે રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે. આ પગલું રશિયાના અર્થતંત્રને નબળું પાડવા માટે લેવામાં આવ્યું છે. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટે ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતમાં આ શસ્ત્ર કરારને ગેમ-ચેન્જર ગણાવ્યો હતો. તેમણે જર્મની, ફિનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન અને નોર્વે જેવા દેશો શસ્ત્ર પુરવઠામાં જોડાવાની શક્યતા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે યુરોપની પ્રશંસા કરતા કહ્યું, ‘મને પહેલા નહોતું લાગતું કે યુરોપ આટલું ઉત્સાહી હશે, પરંતુ તેમની ઉર્જા અદ્ભુત છે. યુરોપ રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માંગે છે. તેમની ટીમ ભાવનાનું સ્તર અદ્ભુત છે.’ બીજી તરફ, અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પના યુક્રેનને શસ્ત્રો મોકલવાના નિર્ણય પાછળ ઘણી બાબતો છે. ટ્રમ્પ યુક્રેનને સીધા શસ્ત્રો આપવાને બદલે, યુરોપિયન દેશો દ્વારા તેને શસ્ત્રો આપવા માંગે છે. આ વ્યૂહરચના દ્વારા, તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા ઘટાડવાના તેમના ચૂંટણી વચનથી પીછેહટ કરી રહ્યા છે. ટ્રમ્પે ચૂંટણી સમયે યુક્રેનને અમેરિકન સમર્થન પાછું ખેંચવાની પ્રતિજ્ઞા લીધી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 3 વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. ત્યારથી બંને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *