ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરિફિકેશન, રદ્દ કરવામાં આવશે આ લોકોના કાર્ડ

Spread the love

 

મૃત વ્યક્તિના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધારકાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામા આવી છે.જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધારકાર્ડ ડેટામાં એક્ટીવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધારકાર્ડ રદ્દ કરાશે.

ડેટાનો દુરુપયોગ અટકાવવા સરકારની સૂચના

ભારત સરકારના યુનિક આઈડીન્ટેફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા તમામ રાજ્યોના સેક્રેટરીને પત્ર લખીને 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધારકાર્ડ વેરિફિકેશન કરવાની સૂચના આપવામા આવી છે. 100થી વધુ વયના અનેક લોકોના આધારકાર્ડ એક્ટીવ હોય અને તેઓ મૃત્યુ પામ્યા હોય તો તેઓના આધારકાર્ડનો દુરુપયોગ થઈ શકે છે. જેથી સમગ્ર દેશમાં આધારકાર્ડનો ડેટા અપડેટ કરવા માટે અને સુધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રક્રિયા શરૂ કરાઈ છે. જે અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય વહિવટી વિભાગ દ્વારા પણ આયોજન શરૂ કરવામા આવ્યુ છે.

આગામી સમયમાં વિવિધ શહેરોમાં આધાર વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે

આગામી સમયમાં અમદાવાદ સહિતના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગામોમાં પણ આ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે. જેમાં શહેરી વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારોમાં કલેકટર કચેરીના કર્મચારીઓ દ્વારા 100થી વધુ વયની વ્યક્તિઓના ઘરે જઈને વેરિફિકેશન કરાશે. જો વ્યક્તિ મૃત્યુ પામી હશે તો પરિવારજન પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે. કેન્દ્ર સરકારના યુનિક આઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા આ માટેનો ડેટા પણ તૈયાર વિવિધ કચેરીઓને અપાશે અને જે ડેટાના આધારે 100થી વધુ વર્ષની વ્યક્તિના સરનામા પર જઈને વેરિફિકેશન કરાશે અને જો તે સરનામે તે વ્યક્તિ નહીં રહેતા હોય તેની પણ વિગત નોંધવામાં આવશે.

મૃત્યુના કેસમાં પરિવારજન આધારકાર્ડ રદ્દ કરાવી શકશે

પાન કાર્ડ અને આધારકાર્ડ જેવા નેશનલ ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ કે પુરાવાને મૃત્યુના કેસમાં રદ્દ કરવા માટેની કોઈ ઓનલાઈન પ્રક્રિયા ન હોવાથી કેન્દ્ર સરકારના UIDAI વિભાગ દ્વારા આ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેમાં હવે મૃત્યુના કેસમાં પરિવારજન આધારકાર્ડ માટેની વેબસાઈટ પર જઈને મૃત વ્યક્તિના આધારકાર્ડનો નંબર નાખી નોંધાયેલ મોબાઈલ નંબર પર ઓટીપી મેળવવાનો રહેશે. ત્યારબાદ ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે અને અપલોડ કરનારે મૃતક સાથેના સંબંધ સહિતની વિગતો આપવાની રહેશે. ત્યારબાદ તમામ બાયોમેટ્રિક ડેટા લોક થઈ જશે અને આધારકાર્ડ રદ્દ થઈ જશે. જેથી મૃત વ્યક્તિના આધારકાર્ડનો અન્ય કોઈપણ દ્વારા કોઈપણ રીત દુરુપયોગ ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *