
ન્યૂયોર્ક શહેરમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ, મેટ્રો સ્ટેશનો અને ગેસ સ્ટેશનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જનજીવન પર ખરાબ અસર પડી છે. મેનહટનમાં મેટ્રો સેવાઓ બંધ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં 7 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
પૂરને કારણે કેટલીક ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા. નેશનલ વેધર સર્વિસ (NWS) એ ન્યૂયોર્કના પાંચ વિસ્તારો મેનહટન, બ્રોન્ક્સ, બ્રુકલિન, ક્વીન્સ અને સ્ટેટન આઇલેન્ડમાં પૂરનું એલર્ટ જાહેર કર્યુ છે. એવો અંદાજ છે કે શહેરનો લગભગ 16% ભાગ પૂરથી અસરગ્રસ્ત છે.
ન્યૂજર્સીના ગવર્નર ફિલ મર્ફીએ મંગળવારે રાજ્યમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી અને રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તહેનાત કરવામાં આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આખીરાત વરસાદ ચાલુ રહી શકે છે અને અચાનક પૂરની શક્યતા છે. ન્યુયોર્ક સિટી ઇમરજન્સી મેનેજમેન્ટે ખાસ કરીને બેઝમેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને રાત્રે પૂર માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના ફોન, ટોર્ચ અને આવશ્યક ચીજવસ્તુઓથી ભરેલી બેગ પોતાની સાથે રાખે અને કોઈપણ પરિસ્થિતિમાં ઊંચા સ્થળોએ જવા માટે તૈયાર રહે. ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં ઇમરજન્સી ટીમો એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે તહેનાત કરવામાં આવી છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેર વહીવટીતંત્રે હાઇ એલર્ટ જારી કર્યું છે.