1 ઓગસ્ટથી AIની અમદાવાદ-લંડન ગેટવિકની ફ્લાઇટ્સ બંધ

Spread the love

 

12 જૂને અમદાવાદ-લંડન ગેટવિક તરફ જતી AI171 વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ મોટો ફેરફાર કર્યો છે. એર ઈન્ડિયાએ અમદાવાદ-લંડન ગેટવિકની ફ્લાઈટ્સને બંધ કરવાનો નિર્ણય લઈને હવે 1 ઓગસ્ટથી અમદાવાદ-લંડન હીથ્રો વચ્ચે ફ્લાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણવાર ઉડાન ભરશે. તદુપરાંત આ ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોનો સીધો સંપર્ક કરી તેમની પસંદગી મુજબ વૈકલ્પિક ફ્લાઇટ્સ પર ફરીથી બુકિંગ કરાવવાનો અથવા તો સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ આપવામાં આવશે.
એર ઈન્ડિયાએ ગઈકાલે પોતાની વેબસાઈટ પર પ્રેસનોટમાં જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર, 2025 સુધી એર ઈન્ડિયા અમદાવાદ અને લંડન હીથ્રો વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઈટ્સ ચલાવશે. અગાઉ આ ફ્લાઈટ સેવા અમદાવાદથી લંડન ગેટવિક વચ્ચે અઠવાડિયાના 5 દિવસ આપવામાં આવતી હતી, જેમાં આ ફેરફાર કરાયા છે. આ ફેરફારો ફ્લાઈટનું ફરીથી સંચાલન કરવા માટે આંશિક રીતે કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુલાઈની સરખામણીમાં 1 ઓગસ્ટથી કેટલીક ફ્રિક્વન્સીઝ ફરીથી શરૂ થશે અને 1 ઓક્ટોબર, 2025થી તમામ ફ્લાઈટ્સનું સંપૂર્ણપણે આયોજન કરવામાં આવશે.
ફ્લાઈટ્સના ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરો માટે શું વ્યવસ્થા?: જેમાં એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ ફ્લાઈટ્સના રૂટ ફેરફારોથી અસરગ્રસ્ત તમામ મુસાફરોનો સીધો સંપર્ક કરી રહ્યા છે અને મુસાફરોને તેમની પસંદગી મુજબ વૈકલ્પિક ફ્લાઇટ્સ પર ફરીથી બુકિંગ કરાવવાનો અથવા તો સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ આપી રહ્યા છે. એર ઇન્ડિયાએ આ અસુવિધા બદલ મુસાફરોની માફી પણ માગી છે. આ આંશિક ફેરફાર સાથે એર ઇન્ડિયા હવે 63 ટૂંકા ગાળાની, લાંબા ગાળાની અને અતિ લાંબા અંતરના રૂટ પર દર અઠવાડિયે 525થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
17 જૂનના રોજ એર ઇન્ડિયાની 7 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ-લંડન, દિલ્હી-પેરિસ, દિલ્હી-વિયેના, લંડન-અમૃતસર, દિલ્હી-દુબઈ, બેંગલુરુ-લંડન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી ફ્લાઇટના મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *