બાંગ્લાદેશમાં ગોપાલગંજ શહેરમાં NCPની રેલીમાં હિંસા ફાટી નીકળી, 4 લોકોના મોત, 9 ઘાયલ

Spread the love

 

બુધવારે બાંગ્લાદેશના ગોપાલગંજ શહેરમાં યુવા નેતૃત્વ હેઠળની નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ની રેલીમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં ચાર લોકો માર્યા ગયા હતા. તેમજ 9 લોકો ઘાયલ થયા હતા. ગોપાલગંજ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનું વતન છે. બાંગ્લાદેશની પ્રોથોમ અલો ન્યૂઝ એજન્સી અનુસાર, NCP રેલી દરમિયાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગના સમર્થકોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અવામી લીગના સમર્થકોએ પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળો પર લાકડીઓ, ઇંટો અને પથ્થરોથી હુમલો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસ અને સ્થાનિક વહીવટી વડાના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. તેમણે NCPના કાફલા પર પણ હુમલો કર્યો હતો, જેના પછી સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો. ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ અને સાઉન્ડ ગ્રેનેડ પણ છોડ્યા હતા. હિંસામાં માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ દિપ્તો સાહા (25 વર્ષ), રમઝાન કાઝી (18 વર્ષ) અને સોહેલ મુલ્લા (41 વર્ષ) તરીકે થઈ છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે મૃતકોને ઘાયલ હાલતમાં ગોપાલગંજ જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
હિંસા છતાં, NCPએ ગોપાલગંજમાં તેની રેલી યોજી હતી. નેતાઓએ બગડેલા સાઉન્ડ સિસ્ટમવાળા તુટેલા સ્ટેજ પર ભાષણો આપ્યા. NCPના સ્થાપક અને કન્વીનર નાહિદ ઇસ્લામે રેલીની અધ્યક્ષતા કરી. તેમણે કહ્યું કે જો સુરક્ષા એજન્સીઓ અમને ન્યાય નહીં આપે, તો અમે પોતે ન્યાય લઈશું. એનસીપી નેતા સરજીસ આલમે ફેસબુક પોસ્ટમાં કહ્યું, “ગોપાલગંજમાં, હત્યારા હસીનાના ગુંડાઓએ અમારા પર હુમલો કર્યો. પોલીસ ફક્ત ઉભી રહીને તમાશો જોતી રહી અને પાછળ હટી ગઈ.” બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના કાર્યાલયે બુધવારે રાત્રે 8 વાગ્યાથી ગોપાલગંજમાં 22 કલાકનો કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. ગોપાલગંજમાં અર્ધલશ્કરી બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGP) ના લગભગ 200 સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. NCP બાંગ્લાદેશમાં એક નવો ઉભરતો રાજકીય પક્ષ છે. તેની રચના 28 ફેબ્રુઆરી 2025ના રોજ થઈ હતી. તેને વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત પ્રથમ રાજકીય પક્ષ માનવામાં આવે છે. તેને વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસનું સમર્થન છે.
“યુવાનોને તેમના ક્રાંતિકારી ચળવળની એક વર્ષગાંઠ નિમિત્તે શાંતિપૂર્ણ રેલી યોજતા અટકાવવા એ તેમના મૌલિક અધિકારોનું શરમજનક ઉલ્લંઘન છે,” યુનુસે X પરની એક પોસ્ટમાં કહ્યું. યુનુસે હિંસા માટે હસીનાની અવામી લીગ પાર્ટી અને તેની વિદ્યાર્થી પાંખને જવાબદાર ઠેરવી હતી. યુનુસે કહ્યું, “ગુનેગારોની શક્ય તેટલી વહેલી તકે ઓળખ થવી જોઈએ અને તેમને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવા જોઈએ. બાંગ્લાદેશના કોઈપણ નાગરિક સામે આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. આ દુર્ભાવનાપૂર્ણ ધમકીઓ છતાં રેલી ચાલુ રાખનારા વિદ્યાર્થીઓના સાહસને અમે બિરદાવીએ છીએ.” ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. 5 ઓગસ્ટ, 2024ના રોજ, એક ટોળાએ તત્કાલીન વડાપ્રધાન, 77 વર્ષીય શેખ હસીનાના નિવાસસ્થાન પર હુમલો કર્યો. ટોળું પહોંચે તે પહેલાં હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી ગયા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે.
આ સાથે, બાંગ્લાદેશમાં અવામી લીગની 20 વર્ષ જૂની સરકાર પણ પડી ગઈ. આ પછી, મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર બનાવવામાં આવી. દેશભરના વિદ્યાર્થીઓ ક્વોટા સિસ્ટમને લઈને હસીના સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ખરેખરમાં, 5 જૂન, 2024ના રોજ, બાંગ્લાદેશમાં હાઇકોર્ટે નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી. આ અનામત સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી. પરંતુ હસીના સરકારે પાછળથી આ અનામત નાબૂદ કરી દીધી. આ પછી, વિદ્યાર્થીઓએ તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો. 8 એપ્રિલ, 2024ના રોજ, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું, ‘અલ્લાહે મને એક હેતુ માટે જીવતી રાખી છે. હું પાછી આવીશ. તે દિવસ ચોક્કસપણે આવશે જ્યારે અવામી લીગના નેતાઓને નિશાન બનાવનારાઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.’ અવામી લીગના અધ્યક્ષ હસીનાએ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓના પરિવારો સાથે વાત કરતી વખતે આ વાત કહી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં બાંગ્લાદેશ છોડ્યા પછી તેઓ ભારતમાં આશ્રય લીધો છે. હસીનાએ બાંગ્લાદેશ સરકારના વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસ વિશે કહ્યું કે તેઓ એવા વ્યક્તિ છે જેમણે ક્યારેય લોકોને પ્રેમ કર્યો નથી. યુનુસે ગરીબોને ઊંચા વ્યાજ દરે નાની-નાની લોન આપી અને આ પૈસાથી ઘણા દેશોમાં વૈભવી જીવન જીવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *