
અમેરિકાના ઇલિનોઇસમાં એક ભારતીય મહિલા પર સુપરમાર્કેટ ટાર્ગેટ સ્ટોરમાંથી 1 લાખ રૂપિયાથી વધુ કિંમતનો સામાન ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ સ્ટોરમાં સાત કલાક વિતાવ્યા અને પેમેન્ટ કર્યા વિના સામાન લઈને બહાર નીકળવાની કોશિશ કરી. આ ઘટના 1 મે, 2025ના રોજ બની હતી. હવે આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જ્યાં મહિલાનું નામ અનાયા અવલાની જણાવવામાં આવી રહ્યું છે. સ્ટોરના કર્મચારીઓને તેનું વર્તન શંકાસ્પદ લાગ્યું, ત્યારબાદ તેમણે પોલીસને ફોન કર્યો. વીડિયોમાં સ્ટોરના કર્મચારીએ કહ્યું, “અમે આ મહિલાને સાત કલાક સુધી સ્ટોરમાં ફરતી જોઈ. તે વસ્તુઓ ઉપાડી રહી હતી, ફોન ચેક કરી રહી હતી અને પછી પૈસા ચૂકવ્યા વિના સ્ટોર છોડી જવાનો પ્રયાસ કરી રહી હતી.”
મહિલાએ મામલો ઉકેલવા માટે સામાનની ચૂકવણી કરવાની જાહેરાત કરી અને કહ્યું- હું આ દેશની નથી. હું બધા જ સામાનના રૂપિયા આપી દઈશ. તેના પર પોલીસે કહ્યું, શું ભારતમાં ચોરી કરવાની મંજૂરી છે? મને તો નથી લાગતું. પોલીસે તેને હાથકડી પહેરાવી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જોકે, હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ ગંભીર ગુનાનો આરોપ લાગે તેની શક્યતા છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના પર મહિલાની આલોચના કરી. એક યૂઝરે લખ્યું- મને નથી સમજાતું કે કોઈ મહેમાન બનીને આ દેશનો કાયદો તોડવાની હિંમત કેવી રીતે કરી શકે છે. બીજા એક યુઝરે કહ્યું – અહીં કોઈ સાંસ્કૃતિક કે ભાષાની સમસ્યા નહોતી. તે જાણતી હતી કે તે શું કરી રહી છે. ત્રીજા એક યુઝરે લખ્યું – ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતને બદનામ ન કરો. હાલમાં ટેક્સાસમાં પણ એક ભારતીય વિદ્યાર્થી પર પણ ચોરીનો આરોપ લાગ્યો હતો. નોંધનીય છે કે ચોરીના આરોપની અસર દેશમાં નિવાસ પર પણ પડી શકે છે, જેમાં એચ-1બી વીઝા, ગ્રીન કાર્ય આવેદન અને ત્યાં સુધી કે પાછા મોકલવા જેવા ગંભીર પરિણામ પણ ભોગવવા પડી શકે છે.