
દેશની અદાલતોમાં શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે દેશની 25 માંથી 20 હાઈકોર્ટે હજુ સુધી જણાવ્યું નથી કે તેમણે શૌચાલય સુવિધાઓ સુધારવા માટે કયા પગલાં લીધાં છે? 15 જાન્યુઆરી, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો કે દરેક કોર્ટમાં પુરુષો, મહિલાઓ, દિવ્યાંગો અને ટ્રાન્સજેન્ડરો માટે અલગ શૌચાલય હોવા જોઈએ. બંધારણની કલમ 21 હેઠળ યોગ્ય સ્વચ્છતા મેળવવી એ મૂળભૂત અધિકાર છે. આજે સુનાવણી દરમિયાન, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવને તમામ હાઈકોર્ટને રિપોર્ટ રજૂ કરવા માટે 8 અઠવાડિયાનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો આ વખતે રિપોર્ટ રજૂ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પોતે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવું પડશે. આ કેસ વકીલ રાજીબ કાલિતા દ્વારા દાખલ કરાયેલી PILથી શરૂ થયો હતો, જેમાં તેમણે કોર્ટમાં શૌચાલયોની ખરાબ સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, ફક્ત 5 હાઈકોર્ટે રિપોર્ટ રજૂ કર્યો. જેમાં, ઝારખંડ હાઇકોર્ટ, મધ્યપ્રદેશ હાઇકોર્ટ, કોલકાતા હાઇકોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને પટણા હાઇકોર્ટનો સમાવેશ છે
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે કહ્યું હતું કે જીવનના અધિકારમાં સ્વસ્થ અને સ્વચ્છ જીવનનો અધિકાર અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર શામેલ છે. રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો હેઠળ જાહેર શૌચાલયની પહોંચ સુનિશ્ચિત કરવી એ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની એક મહત્વપૂર્ણ ફરજ છે. કોર્ટે કહ્યું હતું કે, “ફક્ત આવી જોગવાઈઓ કરવી પૂરતું નથી, પરંતુ આખા વર્ષ દરમિયાન શૌચાલયોની જાળવણી થાય તે માટે પગલાં લેવા જોઈએ. આવી સુવિધા વિના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કલ્યાણકારી રાજ્ય હોવાનો દાવો કરી શકે નહીં.” 3 સૂચનાઓ આપવામાં આવી હતી: -શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ માટે દરેક હાઇકોર્ટમાં એક ખાસ સમિતિની રચના કરવી જોઈએ, જેનું નેતૃત્વ એક વરિષ્ઠ ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે. તેમાં સરકારી અધિકારીઓ, બાર એસોસિએશનના લોકો અને જરૂરી કર્મચારીઓ હોવા જોઈએ. -સમિતિએ નક્કી કરવું જોઈએ કે દરરોજ કેટલા લોકો કોર્ટમાં આવે છે. શૌચાલયની જરૂરિયાત તે મુજબ નક્કી થવી જોઈએ.-રાજ્ય સરકારો પૈસા આપશે જેથી શૌચાલય બનાવી શકાય અને તેમની યોગ્ય રીતે સફાઈ અને જાળવણી થઈ શકે.