
16 વર્ષથી લગ્ન જીવન સંબંધી તકરાર અને વિવાદનો સામનો કરી રહેલા એક યુગલના લગ્ન જીવનને ડેડ મેરેજ તરીકે ગણાવીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના લગ્ન જીવનને ચાલુ રાખવાની ફરજ પાડવી એ બંને માટે માનસિક અત્યાચાર જેવું ગણાશે અને એક છત્ર હેઠળ રહી ન શકતા યુગલને માટે અલગ થઇ જવું વધુ બહેતર રહેશે. સર્વોચ્ચ અદાલતે આ ચુકાદા માટે તેની બંધારણની કલમ 142 હેઠળની ન્યાયના હેતુ માટે મળેલી ખાસ સત્તાનો ઉપયોગ કરીને છુટાછેડાને માન્યતા આપી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે લગ્નના લગભગ એક વર્ષ પછી બંને અલગ થઇ ગયા હતા અને છેલ્લા 16 વર્ષથી તેઓ આ પ્રકારે રહે છે.
એટલું જ નહીં બંનેએ અલગ થવા માટેની અરજી પણ આપી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે લગ્ન જીવન એ પરસ્પર એકબીજાના સન્માન અને તથા સમજણ અને સાથે રહેવા માટેની વ્યવસ્થા છે. પરંતુ તમામનો અહીં અભાવ જોવા મળે છે અને તેથી તેને યથાવત રીતે જોડી રાખવાની કોઇ ફાયદો નથી.
સર્વોચ્ચ અદાલતે તે માટે ડેડ મેરેજ તેવો શબ્દનો ઉપયોગ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બંને વ્યકિતઓના માટે સારૂ એ જ હશે કે તેઓ સન્માનભેર સાથે રહી ન શકયા પણ સન્માનથી અલગ પડી ગયા. 2008માં આ યુગલે હિન્દુ મેરેજ એકટ હેઠળ લગ્ન કર્યા હતા. પરંતુ ઓકટોબર-2009થી બંને વચ્ચે વિખવાદ ઉભો થતા પતિએ છુટાછેડાની અરજી કરી હતી. પરંતુ વર્ષો સુધી તેમાં કોઇ ચુકાદો ન આવ્યો અંતે તેમને 2017માં ફેમીલી કોર્ટે છુટાછેડાની અરજી ફગાવી હતી. બાદમાં હાઇકોર્ટે પણ તે માન્ય રાખી નહીં અને તે દરમ્યાન પત્નીએ તેના પર ઘરેલું હિંસા ધારા હેઠળ કેસ પણ કર્યા પરંતુ બંને 2009ની અલગ પડી ગયા હતા. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આ પ્રકારના લગ્ન જીવનને ટકાવી રાખવાથી યુગલને કોઇ રાહત મળનાર નથી.