
કોઈ વ્યકિતના મૃત્યુ બાદ આધાર કાર્ડનો દુરૂપયોગ ન થાય અને મૃત વ્યકિતઓના આધારને નિષ્ક્રિય કરી શકાય તે માટે કેન્દ્ર સરકાર એક પાયલોટ પ્રોજેકટ લાવી રહી છે, જે અનુસાર જો કોઈ પરિવારમાં કોઈ વ્યકિતની ઉંમર આધાર કાર્ડ પર 100 વર્ષથી વધુ છે તો તેની ડેમોગ્રાફીક જાણકારી રાજય સરકારો પાસે માગવામાં આવી રહી છે અને પૂછવામાં આવી રહ્યું છે કે આ આધાર કાર્ડ હોલ્ડર જીવિત છે કે નહિ. કેન્દ્રીય આઈટી મંત્રાલયે આધારની વિશ્વસનીયતાને લઈને સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહેલા ઉપાયોની જાણકારી આપી છે. સરકારનું કહેવું છે કે આધાર કાર્ડના ડેટા બેઝની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે યુઆઈડીએઆઈ બધા ઉપાયો કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રાલય તરફથી જાહેર આ નિવેદન એ ખબર બાદ આવ્યું છે જે મુજબ આરટીઆઈથી એ જાણકારી મળે છે કે છેલ્લા 14 વર્ષમાં લગભગ 16 કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા છે પરંતુ 1.17 કરોડ મૃત વ્યકિતઓના આધાર જ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. સરકારના અનુસાર આધાર નિષ્ક્રિય કરવા માટે યુઆઈડીએઆઈએ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મૃત્યુના રેકોર્ડસ માંગ્યા હતા. અત્યાર સુધી 25 રાજયો અને કેન્દ્ર શાસિત રાજયોમાંથી 1.55 કરોડ ડેથ રેકોર્ડ મળ્યા છે જેમાંથી વેરિફિકેશન બાદ 1.17 કરોડ આધાર નંબર નિષ્ક્રિય કરી દેવાયા છે. યુઆઈડીએઆઈએ રિપોર્ટીંગ ઓફ ડેથ ફેમિલી મેમ્બર નામની નવી સેવા 9 જૂનથી લોન્ચ કરી છે જે 24 રાજયો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. અહીં પરિવારજન મૃત્યુની માહિતી આપી આધાર નિષ્ક્રિય કરાવી શકે છે.