Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધાની સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જાણો તમારે ત્યાં ક્યારે પડશે વરસાદ ?
રાજ્યમાં ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain Forecast : રાજ્યમાં થોડાક દિવસથી વરસાદે જાણે કે વિરામ લીધો છે. આ તરફ હવે ફરી એકવાર બફારાની સ્થિતિ વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
જોકે ખેડૂતો માટે આ સમય કૃષિપાકનાં વાવેતર માટે સહાયકરૂપ બન્યો છે. આ બધાની વચ્ચે આજે ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની ચેનલ પર વરસાદને લઇ મોટી આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે, 12મી જુલાઈ પછી આપણને વરાપ જોવા મળી રહી છે અને 19 જુલાઈ સુધી વરાપ જોવા મળશે. 19 તારીખે વરાપની આગાહી પુરી થશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થશે.
બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ
પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે. બંગાળની ખાડીમાં છેલ્લે બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે. અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર છે. જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે. પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિઅર ઝોન ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે.
આ ત્રણ તારીખોએ વરસાદનું એલાન
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, 19 તારીખથી રાજ્યમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 19, 20 અને 21 જુલાઈએ વરસાદ ગુજરાતનાં અનેક વિસ્તારોને આવરી લેશે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ વરસાદની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં રહેશે. આખા કચ્છમાં વરસાદની શક્યતા છે. પરંતુ ઉત્તર કચ્છમાં સારો વરસાદ થાય તેવી એટલે કે એકથી ત્રણ ઇંચ જેટલા વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં થશે વરસાદની એન્ટ્રી
પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળશે પરંતુ વરસાદની તીવ્રતા થોડી ઓછી રહેશે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાં વધારે જોવા મળી શકે છે. જોકે તેમણે કહ્યું છે કે, આ ત્રણ દિવસ ક્યાંય પણ અતિભારે વરસાદ થવાની શક્યતા નથી. આ વરસાદ સાર્વત્રિક નથી. પરંતુ રાજ્યના 60 ટકા જેટલા વિસ્તારોને વરસાદ આવરી લેશે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે. જોકે વરસાદનું જોર ઘટવાનું કારણ આપતા તેમને કહ્યું કે, દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે. આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈના પવનો વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી.
ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, આ વાવાઝોડાના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે. આ સાથે મધ્ય ગુજરાતમાં પૂર આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જુલાઈના ચોથા સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે 10મી ઓગસ્ટ સુધીમાં તાપીની જળસપાટી વધવાની પણ શક્યતા છે.
હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે કોઈપણ સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.
22 અને 23 તારીખોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યનાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 18મી તારીખે ભારે વરસાદની આગાહી નથી. આ તરફ રાજ્યભરમાં અમુક સ્થળો પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે 18થી 20 તારીખ સુધીમાં અમુક સ્થળો પર તો કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 21મી તારીખે રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે 22 અને 23 તારીખોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.