શિવાંશુ સિંહ, અમદાવાદ અમદાવાદના ફેમીલી કોર્ટમાં ફરજ બજાવતા એક મહિલા જજ સાથે એક એવી ઘટના બની કે જે આજના ડિજિટલ યુગમાં દરેક માટે ચેતવણીરૂપ બની શકે. માત્ર એક ડ્રેસ ઓર્ડર કરતા અને રિફંડ માટે કસ્ટમર કેરના નંબરની શોધ દરમિયાન, તેમણે ભુલથી એવું નકલી નંબર ડાયલ કરી દીધું કે આખરે તેમને 94,269 રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.
જેમાંથી એક ડ્રેસ ઓછો આવતા તેઓએ Google પર AJIO કસ્ટમર કેર નંબર શોધવા પ્રયાસ કર્યો. ત્યાંથી મળેલા નંબર પર વાત કરતાં ફોનની બીજી તરફ રહેલા વ્યક્તિએ પોતાનું નામ “દિપક શર્મા – AJIO કસ્ટમર કેર અધિકારી” જણાવ્યું. તે વ્યક્તિએ પહેલેથી તૈયાર સ્ક્રિપ્ટ મુજબ બોલી જણાવ્યું કે “તમારું રીફંડ મળશે, પરંતુ તમારે અમુક પગલાં અનુસરવા પડશે.” ત્યારબાદ તેણે એક UPI ID (gupal11\@ibl) આપી અને Paytm મારફતે પ્રક્રિયા શરૂ કરાવી.
જજસાહેબે શરૂઆતમાં શંકા આવતા ફોન બંધ કરી દીધો હતો. પરંતુ થોડા સમય બાદ આરોપીએ ફરીથી વોટ્સએપ અને સાદા કૉલ દ્વારા સંપર્ક કર્યો અને સ્પષ્ટ ધમકી આપી – “તમારા એકાઉન્ટમાં રૂપિયા ત્રણ લાખ છે. જો સ્ક્રીન બંધ કરશો તો ઉપાડી લઈશ.” ભયમાં આવ્યા બાદ તેમણે તેની કહેલી દરેક પ્રોસેસ અનુસરવી શરૂ કરી અને અંતે તેમના ખાતામાંથી ₹94,269 રૂપિયા ડેબિટ થઈ ગયા. તત્કાલે સાવચેત બનેલા અધિકારીએ સાયબર હેલ્પલાઇન 1930પર કોલ કરીને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી. જોકે ટેક્નિકલ ટ્રેસિંગમાં ખુલ્યું કે રકમ બેંક ઓફ બરોડાના ખાતામાં ટ્રાન્સફર થઈ હતી અને ત્યાંથી તરત Axis બેંકના બે અલગ અલગ ખાતાઓમાં વહેંચાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન ₹38,780 રકમ હોલ્ડ કરવામાં સફળતા મળી છે.
આ સમગ્ર ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું છે કે માત્ર ટેકનિકલ જ્ઞાન પૂરતું નથી, પરંતુ યોગ્ય સાવચેતી અને સત્તાવાર સ્ત્રોતોથી જ માહિતી લેવી અત્યંત જરૂરી છે. નકલી નંબર, ભયભીત કરનારી ભાષા, અને રીફંડની લાલચ,આવા મિકેનિઝમ હવે કુશળ રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.