અમેરિકામાં લોંગ આઈલેન્ડમાં એક વ્યક્તિનું MRI મશીનમાં મૃત્યુ થયું હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી મુજબ તે વ્યક્તિ તેની પત્નીને MRI મશીન પરથી નીચે ઉતારવા જતા તે મશીનમાં ખેંચાઈ ગયો હતો. આ ઘટનાની વ્યાપક ચર્ચા થઈ રહી છે કે કેવી રીતે એક નાની બેદરકારીને કારણે એક વ્યક્તિ MRI મશીનમાં ફસાઈ ગયો અને તેનું મોત થયું.
એક મીડિયા અહેવાલ મુજબ 61 વર્ષીય કીથ મેકએલિસ્ટર વેસ્ટબરીના નાસાઉમાં એક ખુલ્લા MRI મશીનમાં ફસાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજા થઈ હતી અને તેઓ અનેક હાર્ટ એટેકનો ભોગ બન્યા હતા અને મૃત્યુ પામ્યા હતા.
આ ત્યારે બન્યું જ્યારે તેઓ તેમની પત્નીને MRI મશીન પરથી નીચે ઉતારવા ગયા અને તેમણે ગળામાં જાડો મેટલનો ચેઈન પહેરેલો હતો જેના લીધે તે મશીનમાં ખેંચાઈ ગયા હતા.
પત્નીનો MRI કરાવવા ગયા હતા
કીથની પત્ની એડ્રિયન જોન્સ-મેકએલિસ્ટરે કહ્યું કે તે તેના ઘૂંટણનો MRI કરાવવા ગઈ હતી. MRI કરાવ્યા પછી તેણે ટેકનિશિયનને તેના પતિને અંદર મોકલવા વિનંતી કરી. તે તેને ટેબલ પરથી ઉતરવામાં મદદ કરવ તેમના પતિને અંદર મોકલવામાં આવ્યા હતા.
મેટલની જાડી ચેન પહેરીને MRI રૂમમાં પ્રવેશ કર્યો
જ્યારે મેકએલિસ્ટર સ્કેનીંગ રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમના ગળામાં 20 પાઉન્ડની મેટલની ચેઈન હતી. તેમની પત્નીએ કહ્યું કે તેઓ તેનો ઉપયોગ વેઇટ ટ્રેઈનિંગ માટે કરતા હતા. રૂમમાં પ્રવેશ્યાના થોડા સમય પછી MRI મશીનના શક્તિશાળી ચુંબકે અચાનક તેમને અંદર ખેંચી લીધા. એવું લાગ્યું કે મશીન તેમને ગળી ગયું છે.
રૂમમાં પ્રવેશતાની સાથે જ મશીન ગળી ગયું
જોન્સ-મેકએલિસ્ટરે ન્યૂઝ 12 લોંગ આઇલેન્ડને જણાવ્યું કે મેં તેને ટેબલ તરફ આવતો જોયો અને પછી મશીન તેને અંદર ખેંચી ગયું. આ પછી મેં તેને મારા હાથમાં, નિર્જીવ જોયો. તેણે એ આરોપ લગાવ્યો કે ટેકનિશિયને તેના પતિને રૂમમાં કેવી રીતે પ્રવેશવા દીધો, જ્યારે તેના ગળામાં ચેઈન દેખાતી હતી.
મશીનમાં ફસાયા પછી અનેકવાર હાર્ટ અટેકના હુમલા
જોન્સે જણાવ્યું હતું કે આ ઘટના પછી મેકએલિસ્ટરને અનેક હૃદયરોગના હુમલા આવ્યા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. મેકએલિસ્ટરની સ્ટેપ દીકરી, સામન્થા બોડેન, તેની માતાની લાગણીઓને સમર્થન આપે છે અને તેના સ્ટેપ પિતાના અકાળ મૃત્યુ માટે ટેકનિશિયનને જવાબદાર ઠેરવ્યા છે. નાસાઉ કાઉન્ટી પોલીસ વિભાગના એક પ્રકાશન અનુસાર, સ્કેન ચાલુ હતું ત્યારે મેકએલિસ્ટર એમઆરઆઈ રૂમમાં પ્રવેશ્યા. પછી મશીનના મજબૂત ચુંબકીય બળે તેના ગળામાં બાંધેલી ધાતુની સાંકળને પોતાની તરફ ખેંચી લીધી.
પરિવારે ટેકનિશિયન પર આરોપ લગાવ્યો
બોડેને શુક્રવારે ફેસબુક પર લખ્યું કે જ્યારે મારી માતા ટેબલ પર સૂતી હતી. ત્યારે ટેકનિશિયન તેના પતિને ટેબલ પરથી ઉતારવા માટે રૂમની અંદર લાવ્યો. પરંતુ તે તેને કહેવાનું ભૂલી ગયો કે તેણે તેના ગળામાંથી ચેઈન કાઢી નાખવી જોઈએ કારણ કે મશીનનું ચુંબક તેમને અંદર ખેંચી શકે છે.