
ગુજરાત સરકારે સોમનાથ, અંબાજી તેમજ દ્વારકાના સર્કિટ હાઉસને ફાઇવ સ્ટાર હોટલોમાં પરિવર્તિત કરવાની તૈયારી કરી છે. સરકીટ હાઉસના સંચાલનનું ખાનગીકરણ કરવા માટે સરકારે પોતાની ઔપચારિકતા પૂરી કરી છે. આ યાત્રાધામો ઉપરાંત અમદાવાદ સહિતના સાત મહાનગરોમાં પણ સર્કિટ હાઉસની સેવાઓે પીપીપી મોડમાં ખાનગીકૃત થશે. જેથી હવે આ સર્કિટ હાઉસ નેતાઓ કે બાબુઓ જ નહીં, સામાન્ય લોકોને રોકાવા માટેની પણ સુવિધા પૂરી પાડશે. જો કે સામાન્ય લોકો પ્રિમિયમ ચાર્જ ચૂકવીને રોકાઇ શકશે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર બહાર પાડવાનું નક્કી કર્યું છે.
ટેન્ડર માટેની શરતો અનુસાર ત્રણ યાત્રાધામોના સર્કિટ હાઉસ દસ વર્ષ માટે જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢના સર્કિટ હાઉસને ત્રણ વર્ષ માટે પીપીપી ધોરણે ખાનગી સંચાલકોને અપાશે. સર્કિટ હાઉસની માલિકી સરકારની રહેશે પરંતુ તેનું સંચાલન, રેસ્ટોરન્ટ અને કેટરિંગ, આવકો સહિતનો હિસાબ, રૂમ સર્વિસ, સિવિલ, ફર્નિશિંગ, સફાઇ તથા ઇલેક્ટ્રિક વર્ક ખાનગી કોન્ટ્રાક્ટરના શિરે રહેશે. આ અતિથી ગૃહોના સંચાલકોને 5 સ્ટાર કે 4 સ્ટાર હોટલોના સંચાલનનો અનુભવ હોવો જોઇશે. દિલ્હીના ગરવી ગુર્જરી અતિથી ગૃહનું મોડલ અપનાવાશે.
હાલ સર્કિટ હાઉસ માટે આટલી શરતો રખાઇ છેઃ
કુલ રૂમના 25 ટકા રૂમ સરકાર માટે આરક્ષિત રાખવાના રહેશે, જે પૈકી 2 રૂમ વી.વી.આઇ.પી. માટે કાયમી આરક્ષિત રહેશે.
સરકારને ચૂંટણી કે જાહેર કાર્યક્રમ માટે જ્યારે સમગ્ર સર્કિટ હાઉસના રૂમોની જરૂર પડે ત્યારે સરકાર પોતાના નિયમ મુજબ ખાનગી સંચાલકને રૂમ બુકિંગ અને અન્ય હોસ્પિટાલિટી માટે ખર્ચ ચૂકવશે.
દર વર્ષે ખાનગી સંચાલકોને સોમનાથના સર્કિટ હાઉસમાં 2025, દ્વારકામાં 555 જ્યારે અંબાજીમાં 1045 રૂમ નાઇટ્સ મળશે.
જો સરકારી પ્રતિનિધીને રૂમ જોઇતો હશે તો રોકાણના 2 દિવસ અગાઉ જાણ કર્યેથી સરકારી દરે અને 1 દિવસ અગાઉ બૂકિંગ કર્યું હોય તો સંચાલક એજન્સીના રેટ મુજબ ચૂકવણું કરવાનું રહેશે. આ બન્ને કિસ્સામાં રૂમ તેમના માટે આરક્ષિત રહેશે. જો અગાઉથી બૂકિંગ ન કરાવ્યું હોય તો રૂમ આરક્ષિત રહેશે નહીં.
સરકારની નજર આવક તરફ, રૂમના ભાડાં હવે નક્કી કરાશે
સરકારી રાહે ચાલતાં આ અતિથી ગૃહો દ્વારા સરકાર આવકનું સાધન ઊભું કરશે. આ માટે હજુ સુધી ચોક્કસ રકમ નક્કી કરાઇ નથી, પરંતુ હરાજીની માફક જે ખાનગી સંસ્થા સૌથી ઊંચી બોલી રજૂ કરે તેને સંચાલનની જવાબદારી સોપાશે. રૂમના ભાડાં અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી, પરંતુ સરકાર ખાનગી સંચાલકો અને સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠક કરીને આ માટે નિર્ણય કરશે. આમ સર્કિટ હાઉસ ચલાવવાના ખર્ચા સામે સરકાર પોતાની આવક ઊભી કરશે.