મહિલા સભાસદોના સભાસદોના પતિદેવોને વહિવટમાં હસ્તક્ષેપ કરતા અટકાવવાનો નિર્દેશ
પાલિકા પ્રમુખે માત્ર છ દિવસમાં જ રદ કરી નાખ્યો

પાટણ નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ વચ્ચે મતભેદોની તિરાડો વધી રહી છે. કારોબારી ચેરમેન મુકેશ પટેલે 18 જુલાઈ 2025ના રોજ એક દફતરી હુકમ જારી કર્યો હતો. આ હુકમમાં ચૂંટાયેલા મહિલા સભાસદોના પતિદેવોને વહિવટમાં હસ્તક્ષેપ કરતા અટકાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કારોબારી ચેરમેનના આ હુકમને પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે માત્ર છ દિવસમાં જ રદ કરી નાખ્યો છે. પ્રમુખે પોતાના કાર્યપાલક આદેશમાં જણાવ્યું છે કે કારોબારી સમિતિના ચેરમેનને આવો કોઈ વહિવટી હુકમ કરવાના અધિકારો કાયદાથી પ્રાપ્ત થયા નથી. પ્રમુખે ગુજરાત મ્યુનિસિપલ એક્ટ-163ની કલમ-45(ગ) અન્વયે મળેલ અધિકારનો ઉપયોગ કરીને આ હુકમને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. કારોબારી ચેરમેન મુકેશ પટેલે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, ચૂંટાયેલા મહિલા સભાસદોના પતિદેવો દ્વારા મહિલા સભાસદ વતી વહિવટ કરવામાં આવે છે. તેઓ સભાસદોની ગેરહાજરીમાં વિવિધ શાખાઓમાં હસ્તક્ષેપ કરે છે. આથી કોઈપણ શાખાધિકારી કે કર્મચારીએ કારોબારીની મંજૂરી વિના પતિદેવોને કોઈ કામકાજ કરવા દેવું નહીં અને આ આદેશનો અનાદર કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે, તેમણે રાજ્યના નગરપાલિકા નિયામકના 11 ફેબ્રુઆરી 2015ના પરિપત્રને અનુસરીને આ હુકમ કર્યો હતો. આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ચૂંટાયેલી મહિલાઓને મળેલા પ્રતિનિધિત્વ અંતર્ગત મળતા અધિકારોનો તેઓ જ ઉપયોગ કરે અને તેમના પતિઓ દ્વારા આ અધિકારોનો ઉપયોગ ન થાય તે માટે તકેદારી રાખવી. પટેલે વધુમાં જણાવ્યું કે, તેમનો હેતુ ચૂંટાયેલી મહિલા સદસ્યોને વહિવટ શીખવા મળે તે હતો. તેમણે પ્રમુખ દ્વારા પોતાના આદેશને રદ કરવા બદલ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ પ્રકારના હુકમથી વહિવટ પર નકારાત્મક અસર પડશે.