ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોરીના ગુનાઓ અટકાવવાની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ઇન્ફોસીટી પોલીસે 20 વર્ષીય યુવકને 23 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડયો છે.
ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ખેરએ વિસ્તારમાં ચોરીના બનતા ગુનાઓ અટકાવવા સર્વલન્સ સ્ટાફને સૂચના આપી હતી. આ સૂચના અનુસાર, ઇન્ચાર્જ પીએસઆઈ વી.જી.પરમાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી. ઘ-0 સર્કલથી રીલાયન્સ સર્કલ તરફ DAIICT જતાં રોડ પર એક શખ્સ ચોરીના મોબાઇલ ફોન વેચવાની ફિરાકમાં છે. બાતમીના આધારે પોલીસે કાળા કલરનું પેન્ટ-શર્ટ પહેરેલા શખ્સને પકડ્યો.
આરોપીની ઓળખ રવિ બાબુભાઇ ઉર્ફે જયંતીભાઇ ઠાકોર તરીકે થઈ છે. તે હાલ કલોલ શહેરમાં ગાયત્રી મંદિરની પાછળ, અભાજીના પરાની બાજુમાં છાપરામાં રહે છે. તેનું મૂળ વતન સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાનું દાંત્રોલી ગામ છે.
આરોપીની અંગઝડતી દરમિયાન પોલીસને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ, આઇફોન અને કીપેડ મોબાઇલ ફોન મળી આવ્યા. કુલ 23 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ મોબાઈલની કિંમત રૂ. 78,500 આંકવામાં આવી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-35(1)ઇ મુજબ કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોન તપાસ માટે કબજે લેવામાં આવ્યા છે.