
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ફૂડ માર્કેટમાં 61 વર્ષીય વૃદ્ધે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. આ પછી, હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટના સોમવારે બેંગકોકના ફેમસ ઓર ટો કોર માર્કેટમાં બની હતી. તે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ શ્રી નોઈ તરીકે થઈ છે. તે ઘટનાસ્થળે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. બેંગકોકના બાંગ સુ જિલ્લાના ડેપ્યુટી પોલીસ વડા વોરાપત સુખથાઈએ જણાવ્યું હતું કે હાલમાં તેને માસ શૂટિંગ માનવામાં આવી રહ્યું છે. હુમલાખોરના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું આ ફાયરિંગનો થાઈલેન્ડ-કંબોડિયા સરહદ પર ચાલી રહેલી અથડામણો સાથે કોઈ સંબંધ છે કે નહીં.