સેનાનું ઓપરેશન શિવશક્તિ, પૂંછમાં 2 આતંકવાદી ઠાર

Spread the love

 

 

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદ પર તહેનાત સૈનિકોએ મંગળવારે મોડી રાત્રે દેગવાર સેક્ટરના માલદીવલન વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આ ઓપરેશનને શિવશક્તિ નામ આપવામાં આવ્યું હતું. આતંકવાદીઓ પાસેથી 3 હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.
છેલ્લા બે દિવસમાં સેનાનું આ બીજું એન્કાઉન્ટર છે. 28 જુલાઈના રોજ, સુરક્ષા દળોએ શ્રીનગરના દાચીગામ નેશનલ પાર્ક નજીક હરવાન વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેમાં પહેલગામ હુમલાનો મુખ્ય આરોપી સુલેમાન પણ હતો. બાકીના બે આતંકવાદીઓની ઓળખ જિબ્રાન અને હમઝા અફઘાની તરીકે થઈ છે. જિબ્રાન 2024માં સોનમર્ગ ટનલ પ્રોજેક્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. આતંકવાદીઓ પાસેથી અમેરિકન M4 કાર્બાઇન, AK-47, 17 રાઇફલ્સ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. તેને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું હતું.
એક અઠવાડિયા પહેલા સુરક્ષા દળોને શ્રીનગરના દાચીગામ જંગલમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ આતંકવાદીઓએ હુમલા પછી પહેલી વાર ચાઈનીઝ અલ્ટ્રા કોમ્યુનિકેશન સેટને ફરીથી એક્ટિવેટ કર્યો હતો. તે જ સેટેલાઇટ ફોનના સિગ્નલો ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ પછી, સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન શરૂ કર્યું. 28 જુલાઈના રોજ સવારે લગભગ 11:30 વાગ્યે, 24 રાષ્ટ્રીય રાઈફલ્સ અને 4 પેરા યુનિટના સૈનિકોની એક ટુકડીએ એડવાન્સ ગેજેટનો ઉપયોગ કરીને આતંકવાદીઓનું સ્થાન શોધી કાઢ્યું અને ત્યાં હાજર ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા.
22 એપ્રિલના રોજ પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 16 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ધર્મ પુછી પુછીને પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આ ઘટના પહેલગામ શહેરથી 6 કિમી દૂર બૈસરન ઘાટીમાં બની હતી. હુમલા બાદ હાથ ધરાયેલી તપાસમાં ત્રણ આતંકવાદીઓના નામ બહાર આવ્યા હતા. 24 એપ્રિલના રોજ અનંતનાગ પોલીસે 3 સ્કેચ જાહેર કર્યા હતા. ત્રણેય આતંકવાદીઓના નામ અનંતનાગના આદિલ હુસૈન ઠોકર, સુલેમાન અને અલી ઉર્ફે તલ્હા ભાઈ હતા. મુસા અને અલી પાકિસ્તાની છે. મુસા પાકિસ્તાનના સ્પેશિયલ સર્વિસ ગ્રુપમાં કમાન્ડો રહી ચૂક્યો છે. તેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે NIA દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીઓએ આ ત્રણ આતંકવાદીઓના નામ જાહેર કર્યા હતા કે અન્ય કોઈ આતંકવાદીઓના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *