ગિફ્ટ સિટી સહિત વિવિધ રાજ્યોમાં પ્રોજેક્ટ કરી ૩,૦૦૦ કરોડથી વધુ પડાવી લેવાયાઃ ઈડી
ગિફ્ટ સિટી (WTC)માં ૧૨૯૭ રોકાણકારો સાથે ૧૦૦૦ કરોડનું ફોડ,બિલ્ડર નાદાર, જિલ્લા શહેરમાંથી અનેક રોકાણકારો રાતા પાણીએ રોવાનો વારો?
સરકારે આપેલી જમીનમાં ૪ ટાવર ઊભા થવાનાં હતા, રેરાના નિયમ મુજબ કાર્યવાહી
છેલ્લા ત્રણ મહિનાથી ઓફિસ બંધ છે. બિલ્ડરે યુક્તિ અપનાવી રોકાણકારો પાસેથી ૭૫% સુધી પેમેન્ટ વસૂલી લીધું છે.

૧,૦૦૦ કરોડના પ્રોજેક્ટમાં રોકાણકારોએ રૂા. ૭૫૦ ચૂકવ્યા હતા
રોકાણકારોએ આશા રાખી હતી કે ભવિષ્યમાં મિલકતની કિંમત ઘણી વધી જશે. તે હિસાબે બેંક લોન અથવા મરણમુડી લગાવીને આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. ૧,૦૦૦ કરોડના કુલ પ્રોજેક્ટમાંથી અત્યાર સુધી ૭૫૦ કરોડ ચૂકવાઈ ચૂક્યા છે. માત્ર ૨૫૦ કરોડ બાકી છે. A અને D ટાવરના રોકાણકારોને પઝેશન મળ્યું છે, જ્યારે B અને C ટાવરના રોકાણકારો હજુ પણ રેરા અને ગિફ્ટ સિટી ઓફિસના ચક્કર ખાઈ રહ્યા છે.
બી અને સી ટાવરની લીઝ રદ કરાઈ
ગિફટ સિટીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ ગૂંચમાં પડી ગયો છે. પરિણામે, ૭ મેના રોજ B અને C ટાવરની લીઝ રદ્દ કરવામાં આવી છે અને WTCને નોટિસ પાઠવવામાં આવી છે. રેરા દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લું હિયરિંગ ૨૭ મેના રોજ યોજાયું હતું.
હવે ટાવરનું નિર્માણ શક્ય નથી : બિલ્ડર
ગાંધીનગર રેરાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, બિલ્ડરે ૨૫ માર્ચે, ૨૦૨૫ રેરાને લેખિતમાં જણાવ્યું હતું કે કંપનીની આર્થિક સ્થિતિ દયનિય છે તેથી ટાવરનું નિર્માણ શક્ય નથી. જેના આધારે રેરા નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરશે. કંપનીએ લીઝ માટે ગિફ્ટ સિટીને ૧૦૪ કરોડનું એડવાન્સ ચૂકવેલું છે. હાલ કંપનીના ડિરેક્ટર જેલમાં છે. થોડા સમય પહેલાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કંપનીના ૧૨થી વધુ સ્થળે રેડ કરવામાં આવી હતી.
ગાંધીનગર
ગિફટ સિટીના મહત્ત્વાકાંક્ષી વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પ્રોજેક્ટમાં ૧૨૯૭ રોકાણકારો સાથે અંદાજે ૧,૦૦૦ કરોડની છેતરપિંડી થઈ છે. WTC નોઈડા ડેવલપમેન્ટ કંપની પ્રા.લિ.ના ડિરેક્ટર આશિષ ભલ્લાની ભુટાની ગ્રૂપ સાથે જોડાણ ધરાવતી કંપનીએ નાદારી જાહેર કરી છે. પ્રોજેક્ટ જૂન ૨૦૨૪માં પૂર્ણ થવાનો હતો. ગિફ્ટ સિટીમાં WTC A, B, C અને D એમ કુલ ચાર ટાવર ઉભા થવાના હતા. નવેમ્બર ૨૦૧૫માં શરૂ થયેલા આ પ્રોજેકટ માટે સરકાર દ્વારા અઢી એકર જમીન લીઝ પર આપવામાં આવી હતી. છે. કુલ ૧૪૪૦ રોકાણકારો પૈકી હાલ માત્ર છ અને હું ટાવરના ૧૪૩ રોકાણકારોને પઝેશન મળ્યું છે, જયારે બાકીના ૧૨૯૭ રોકાણકારો હજુ પણ ગિફ્ટ સિટી WTC ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે, છેલ્લા ત્રણ મહિનાથી ઑફિસ બંધ છે. બિલ્ડરે યુક્તિ અપનાવી રોકાણકારો પાસેથી ૭૫% સુધી પેમેન્ટ વસૂલી લીધું છે. મની લોન્ડરિંગ કેસમાં બિલ્ડરની પાંચ મહિના પહેલાં ધરપકડ થઈ છે. ઈડીના જણાવ્યા પ્રમાણે ફ્રોડ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, પણ હરિયાણા, ઉત્તરપ્રદેશ, ચંડીગઢ, પંજાબ સહિતના અનેક રાજ્યોમાં ૩,૦૦૦ કરોડથી વધુની રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બિલ્ડર વિરુદ્ધ દિલ્હી EOW, ફરીદાબાદ પોલીસ અને અન્ય કાનૂની એજન્સીઓમાં અત્યાર સુધી ૩૦થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.રેરાના સૂત્રોના જણાવ્યા અનુસાર WTC વિરુદ્ધ અત્યાર સુધી કુલ ૮૧ ફરિયાદો નોંધાઈ છે. જેમાં A, B અને D ટાવરની ૪૩ અને C ટાવરની ૩૮ ફરિયાદોનો સમાવેશ થાય છે. A, B અને D ટાવર સંબંધિત પઝેશન માટેની ૩૪ અને રિફંડ સંબંધિત ૯ ફરિયાદો છે, જ્યારે C ટાવર માટે પઝેશન માટેની ૩૧ અને રિફંડ માટેની ૭ ફરિયાદો છે. પ્રથમ ફરિયાદ સપ્ટેમ્બર ૨૦૨૪માં અને તાજેતરની ફરિયાદ મે ૨૦૨૫માં નોંધાઈ છે. સુનાવણી પ્રક્રિયા હાલ ચાલુ છે.