જમ્મુ- કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે નિધન થયું. 79 વર્ષીય મલિકે દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ જમ્મુ અને કાશ્મીર, મેઘાલય અને ગોવામાં રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. ભૂતપૂર્વ રાજ્યપાલના એક્સ હેન્ડલ પરથી તેમના નિધનની માહિતી આપવામાં આવી છે.
મંગળવારે બપોરે 1 વાગ્યે તેમણે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સત્યપાલ મલિક ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2019 સુધી ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યના છેલ્લા રાજ્યપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019 ના રોજ કલમ 370 રદ કરવામાં આવી હતી અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યો હતો. યોગાનુયોગ, આજે આ નિર્ણયની છઠ્ઠી વર્ષગાંઠ છે અને આ દિવસે સત્યપાલ મલિકે અંતિમ શ્વાસ લીધા.
જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન પછી, સત્યપાલ મલિકને ગોવાના 18મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઓક્ટોબર 2022 સુધી મેઘાલયના 21મા રાજ્યપાલ તરીકે પણ સેવા આપી હતી.
સત્યપાલ મલિકની રાજનીતિક સફર
સત્યપાલ મલિકનો જન્મ 24 જુલાઈ 1946ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવાડા ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં સ્નાતક અને એલએલબીની ડિગ્રી મેળવી હતી. 1968-69માં, તેઓ મેરઠ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા, જે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત હતી.
રાજકારણી તરીકે તેમનો પહેલો મોટો કાર્યકાળ 1974-77 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકેનો હતો. તેમણે 1980 થી 1986 અને 1986-89 દરમિયાન રાજ્યસભામાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ 1989 થી 1991 સુધી જનતા દળના સભ્ય તરીકે અલીગઢથી 8મી લોકસભાના સભ્ય હતા.
લોકદળ છોડી કૉંગ્રેસમાં સામેલ થયા હતા
1980માં, સત્યપાલ મલિકને ચૌધરી ચરણ સિંહની આગેવાની હેઠળના લોકદળ દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. પરંતુ 1984માં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને પાર્ટીએ તેમને 1986માં રાજ્યસભામાં મોકલ્યા. બોફોર્સ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેમણે 1987માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને વી.પી. સિંહ સાથે જોડાયા. 1989માં, તેમણે જનતા દળના ઉમેદવાર તરીકે અલીગઢથી લોકસભાની ચૂંટણી જીતી અને 1990માં, થોડા સમય માટે સંસદીય બાબતો અને પર્યટન રાજ્યમંત્રી તરીકે સેવા આપી.