અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ભારે ટેરિફ લગાવવાની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કો પહોંચી ગયા છે. આ દરમિયાન અજિત ડોભાલ રશિયન સરકારના સિનિયર સ્ટ્રૅટેજિસ્ટ સાથે મુલાકાત કરશે. તેમની આ યાત્રા દરમિયાન અજીત ડોભાલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરે એવી સંભાવના પણ છે.
રશિયાની એક એજન્સીએ આપેલા અહેવાલ અનુસાર, અજિત ડોભાલ રશિયન નેતાઓ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ અને પરસ્પર સંબંધોને વધુ સારા બનાવવા પર ચર્ચા કરશે.
અજિત ડોભાલ રશિયાનો પ્રવાસ ખૂબ જ તનાવભર્યા ભૂ-રાજનીતિક સમય પર કરી રહ્યા છે. ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદે છે એના પર હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નારાજ છે. તેમણે એક સાથે બે ધમકીઓ આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદીને યૂક્રેન સંઘર્ષ માટે ફંડિંગ કરી રહ્યું છે. એટલા માટે ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઇલની ખરીદી રોકી દેવી જોઈએ. નહીં તો ભારત પર ભારે ટેરિફ લગાવાશે.
આ સાથે જ ટ્રમ્પે રશિયાને પણ કહ્યું છે કે તે યૂક્રેન યુધમાં જલ્દી જ યુદ્ધ વિરામની જાહેરાત કરે. ટ્રમ્પે કહ્યું છે કે જો રશિયા યુદ્ધ વિરામ નહીં કરે તો અમેરિકા સખત પ્રતિબંધો લગાવશે. અજિત ડોભાલ આવા તનાવપૂર્ણ માહોલમાં રશિયાની યાત્રા કરી રહ્યા છે. જો કે તેમની આ યાત્રા કરવાનું પહેલાથી જ નક્કી હતું. પરંતુ હાલના માહોલમાં આ પ્રવાસ વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.
રશિયાની ન્યૂઝ એજન્સીએ આપેલા અહેવાલ પ્રમાણે આ યાત્રા પહેલેથી જ નક્કી હતી. આનો એજન્ડા ભારત અને રશિયા વચ્ચે રક્ષા સહયોગ વધારવા પર કેન્દ્રિત હશે. રક્ષા સૂત્રોને ટાંકીને આપવામાં આવેલા અહેવાલ અનુસાર, “ભૂ-રાજનીતિક સ્થિતિમાં તાજેતરના તણાવ પર પણ ચર્ચા થશે. આ સિવાય રશિયન ઓઈલને ભારતને પૂરું પાડવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પણ આમાં સામેલ હશે.” અન્ય એક અહેવાલમાં જણાવવામ આવ્યું છે કે વિદેશ મંત્રી એક જયશંકર પણ આ મહિનાના અંતમાં રશિયાના પ્રવાસે જશે.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદીને રશિયાના વોર મશીનની મદદ કરી રહ્યું છે. જેને કારણે યૂક્રેનમાં કેટલાય લોકો મરી રહ્યા છે. આ પહેલા ટ્રમ્પ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી ચુક્યા છે. પછી ટ્રમ્પે કહ્યું – “ભારત સારું ટ્રેડ પાર્ટનર નથી, એટલા માટે અમે એની સાથે વધારે બિઝનેસ નહીં કરીએ. અમે તેના પર 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ મને લાગે છે કે આગામી 24 કલાકમાં અમે તેમના પર આનાથી ઘણો વધારે ટેરિફ લગાવવાના છીએ.”
રશિયા પાસેથી તેલ ખરીદવાના ટ્રમ્પના આરોપ પર ભારતે અમેરિકાને અરીસો બતાવીને કહ્યું કે અમેરિકા પોતે રશિયા સાથે મોટો વેપાર કરી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે “કોઈ પણ પ્રમુખ અર્થવ્યવસ્થાની જેમ ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાની રક્ષા માટે બધા જ જરૂરી ઉપાયો કરશે.” વિદેશ મંત્રાલયે કહ્યું કે જયારે 2022માં રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો તો અમેરિકા જ ઇચ્છતું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જાની કિંમતો સ્થિર રહે.
S-400 પર પણ વાતચીત શક્ય
એક અહેવાલ પ્રમાણે આ યાત્રા દરમિયાન અજિત ડોભાલ પોતાના રશિયન સમકક્ષ સાથે ડિફેન્સ ડીલ પર પણ વાતચીત કરી શકે છે. ભારત દ્વારા S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની વધી ખરીદી, આનું મેન્ટેનન્સ પણ આ વાતચીતના એજન્ડામાં સામેલ છે. જણાવી દઈએ કે ભારત અને રશિયા મોટા રક્ષા ભાગીદાર છે.
‘ભારત જેવા સહયોગી સાથે સંબંધ ન બગાડો…’ ટેરિફ વધારવાની ધમકી પર નિક્કી હેલીની ટ્રમ્પને સલાહ
ભારતે ઓક્ટોબર 2018માં રશિયા પાસેથી 5 S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે ડીલ કરી છે. આની કિંમત લગભગ 40,000 કરોડ રૂપિયા છે. આમાં ભારતને S-400ની 3 બેટરી મળી ચુકી છે. આ દેશમાં તૈનાત થઈ ચુકી છે. બાકીના બે S-400 સ્કવોડ્રનની ડિલિવરીમાં રશિયા-યૂક્રેન યુદ્ધને કારણે વિલંબ થઈ રહ્યો છે. તાજેતરની માહિતી અનુસાર, ઓગસ્ટ 2026 સુધીમાં આની ડિલિવરી થઈ શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન્સના હુમલાને નિષ્ફળ કરવામાં S-400ની ભૂમિકા મોટી રહી છે.