

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામના રવિસિંહ ડાભી અને તેમની પત્ની ગાયત્રીનું કેનેડા જવાનું સપનું રોળાઈ ગયું છે. કેનેડાના પીઆર અપાવવાના બહાને બે એજન્ટે દંપતી સાથે 25.80 લાખની ઠગાઈ કરી છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમા વિઝા એજન્ટ તરીકે કામ કરતા સાળા બનેવી વિરુધ ગુનો દાખલ કરવાની આવ્યો છે.
રવિસિંહ ડાભી (ઉંમર 27) ખેતીકામ કરે છે અને તેમની પત્ની ગાયત્રી હાલમાં તેના પિયર ખાતે રહે છે. બંનેને કેનેડા જવાની ઇચ્છા હતી. આથી તેમણે ગામમાં રહેતા કનકસિંહ રાણા સાથે વાત કરી હતી.
કનકસિંહે તેના મિત્ર નિકુંજ વિનોદભાઈ શ્રીમાળી (રહે. બ્લોક નંબર 13/3, છ ટાઇપ, સેકટર 17,ગાંધીનગર)નો સંપર્ક કરાવ્યો હતો.નિકુંજભાઈએ જણાવ્યું કે તેઓ અને તેમના બનેવી હરીશ દેવજીભાઈ પંડ્યા (રહે. સહયોગ એપાર્ટમેન્ટ, નરોડા)સાથે મળીને વિઝા એજન્ટનું કામ કરે છે.
આશરે બે વર્ષ પહેલા રવિસિંહ અને ગાયત્રી ગાંધીનગરના કુડાસણ ખાતે ધ લેન્ડમાર્ક બિલ્ડિંગમાં આવેલ ‘EDGE ઇમિગ્રેશન’ ઓફિસમાં ગયા. ત્યાં હરીશભાઈ પંડ્યા (રહે. નરોડા, અમદાવાદ) સાથે મુલાકાત કરી હતી. એ વખતે નિકુંજ પણ તેમની સાથે હતો.
પહેલાં 7 લાખ અને ડોક્યુમેન્ટ્સ તથા પાસપોર્ટ આપ્યા
બંને એજન્ટોએ કેનેડાના કપલના પીઆર વિઝા માટે કુલ 65 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. પ્રથમ 7 લાખ રૂપિયા આપવા પડશે તેવી વાત કરતા દંપતીએ સહમતી આપી. ત્યાર બાદ બંનેના ડોક્યુમેન્ટ્સ તથા અસલ પાસપોર્ટ એજન્ટોને આપ્યા હતા.
12 લાખ નિકુંજને અને 14.05 લાખ હરીશને દીધા હતા
ત્યારબાદ દંપતીએ અલગ-અલગ સમયે રોકડમાં કુલ .25.05 લાખ રૂપિયા આપ્યા. જેમાં 12 લાખ રૂપિયા નિકુંજને અનેરૂ .14.05 લાખ હરીશભાઈને રોકડા આપ્યા. બંને એજન્ટોએ બાહેંધરી કરાર પણ કરી આપ્યો.
રૂપિયા પણ પરત નહીં આપી ખોટા વાયદાઓ કરતા રહ્યા
પરંતુ ઘણા સમય સુધી એજન્ટોએ કેનેડાના વિઝાનું કામ કર્યું નહીં. અને રૂપિયા પણ પરત નહીં આપી ખોટા વાયદાઓ કરતા રહ્યા હતા.આખરે દંપતિએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે હરીશભાઈએ રવિસિંહનો પાસપોર્ટ અને 25હજાર પરત આપ્યા હતા.પરંતુ ગાયત્રીનો અસલ પાસપોર્ટ અને બાકીના રૂ.25.80 લાખ આજ દિન સુધી પરત કર્યા નથી. આ મામલે બંને એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.