- પોલીસ અધિકારીઓની બદલી અને નિમણૂક શંકાસ્પદ જોવા મળી
- છેલ્લા 3થી 4 મહિનામાં 4 અધિકારીઓની પહેલા નિમણૂક અને બાદમાં બદલી
- ભેસાણના આર.બી.ગઢવીને એસઓજીમાં મૂકવામાં આવ્યા
સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચા છે તે વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પોલીસ અધિકારીઓની બદલી અને નિમણૂક શંકાસ્પદ જોવા મળી રહી છે. છેલ્લા 3થી 4 મહિનામાં 4 અધિકારીઓની પહેલા નિમણૂક અને બાદમાં બદલી કરવામાં આવી છે.
હવે અંતે આપના ધારાસભ્ય સાથે પંગો લેનાર મેંદરડાના મહિલા પીએસઆઈને વિસાવદરના પીઆઇનો ચાર્જ સોંપી દેવામાં આવતા અને ચર્ચાઓ જાગી છે.
ભેસાણના આર.બી.ગઢવીને એસઓજીમાં મૂકવામાં આવ્યા
વિસાવદરની ચૂંટણી સમયે વિસાવદરના પીઆઈ તરીકે વાય.બી.રાણા અને ભેસાણના પીઆઈ તરીકે આર.બી.ગઢવી હતા. ચૂંટણીના પરિણામ તા. 23-6-2025 ના આવ્યા બાદ થોડા સમય પહેલા જ બદલી થઈ આવેલા બંને અધિકારીઓની તા. 2-7-25 ના બદલી કરવામાં આવી. જેમાં વિસાવદરના પીઆઇ વાય.બી.રાણાને લીવ રિઝર્વમાં મુક્યા હતા જ્યારે ભેસાણના આર.બી.ગઢવીને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે. વિસાવદર પીઆઈ તરીકે બી ડિવિઝનના પીઆઈ એ.બી. ગોહિલને અને ભેસાણના પીઆઈ તરીકે મહિલા પીઆઈ એસ.આઈ.સુમરાની નિમણૂક કરવામાં આવી હતી. જે અધિકારીઓની બદલી થઈ તે તમામ અધિકારીઓ બદલીના સ્થળે હાજર થઈ ગયા હતા જ્યારે આર.બી.ગોહિલ વિસાવદરના પીઆઈ તરીકે હાજર ન થયા અને તેઓ બી ડિવિઝનમાં હજુ પણ ફરજ પર છે.
ધારાસભ્ય સાથે પંગો લેનાર મહિલા પીએસઆઈને ચાર્જ આપી દેવાયો
એક માસથી વિસાવદરના પીઆઈનો ચાર્જ એક બાદ એક પીએસઆઇ કે અન્ય અધિકારીઓને આપી ગાડુ ગબડાવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા સસ્તા અનાજનો જથ્થા મુદ્દે થયેલી બબાલમાં મેંદરડાના મહિલા પીએસઆઈ એસ.એમ. સુમરા બંદોબસ્તમાં આવ્યા ત્યારે ધારાસભ્ય અને મહિલા પીએસઆઇ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. ધારાસભ્ય અને મહિલા પીએસઆઇ એસ.એમ. સુમરાની બબાલ ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બની હતી. હવે તે મહિલા પીએસઆઈ એસ.એન. સુમરાની મેંદરડાથી બદલી કરી વિસાવદરના ઈન્ચાર્જ પીઆઇ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જ્યારે તા.2-7-25ના વિસાવદર પીઆઈ તરીકે એ.બી. ગોહિલની નિમણૂક થઈ હતી તે ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. આમ, ત્રણથી ચાર માસમાં ચાર પોલીસ અધિકારીઓની બદલી અને અંતે ધારાસભ્ય સાથે પંગો લેનાર મહિલા પીએસઆઈને ચાર્જ આપી દેવામાં આવતા આ અંગે નવાજૂની થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.