
ગાંધીનગર જિલ્લાના સાંતેજના પલોડિયા ગામે બે વર્ષ અગાઉ ધાડના ગુનાને અંજામ આપનાર દાહોદના ઉંડાર ગામની ખુંખાર મોહનિયા ગેંગના સાગરીતને લોકલ ક્રાઈમ બ્રાન્ચે પુર્વ બાતમીના આધારે ચિલોડાથી ઝડપી લઈ કુલ પાંચ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામા આવ્યો છે.
ગુનાઓ આચરતા આરોપીઓની ગતિવિધિઓની તપાસ
ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તેમજ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ “મેન્ટર પ્રોજેકટ” અન્વયે વારંવાર ગુનાઓ આચરતા આરોપીઓની ગતિવિધિઓ ઉપર વોચ રાખવા ઉપરાંત ગંભીર પ્રકારના વણ ઉકેલાયેલ ગુનાઓ શોધી કાઢવા તાબાના અધિકારીઓને સૂચના આપવામાં આવેલો છે. જેની અંતગર્ત લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ એચપી પરમારની આગેવાનીમાં પાંચ ટીમોને એક્ટિવ કરવામાં આવી હતી.
ખુંખાર મોહનિયા ગેંગનો સાગરિત ઝડપાયો
આ ટીમો દ્વારા ગંભીર ગુનાના એ વખતના સી.સી.ટી.વી. ફુટેજ ચકાસી આરોપીઓના પહેરવેશ, શરીર પરના ચિન્હો – ટેટુ, છુંદણા આધારે ગુના વાઇઝ ડેટાબેઝ અલગથી તારવવામાં આવ્યો હતો. આ એનાલિસિસ દરમ્યાન ચડ્ડી બનિયાન ધારી કોઇ ચોકકસ ગેંગ દ્વારા આ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.અને સીસીટીવી ફુટેજ તેમજ ફોટા આધારે આ ગેંગનું દાહોદ જીલ્લાના ઉંડાર ગામની ખુંખાર મોહનિયા ગેંગ હોવાનું પગેરુ મળ્યું હતું.
ઉંડાર ગામે રાત્રીના સમયે કોમ્બીંગ હાથ આરોપીને પકડ્યો
જેના પગલે એલસીબીની બે ટીમોએ દાહોદમાં કેમ્પ રાખી સ્થાનિક હ્યુમન સોર્સને એક્ટિવ કરતા પલોડીયા ગામે બે વર્ષ અગાઉ થયેલ ધાડના ગુનામાં સંડોવાયેલ ઉંડાની મોહનિયા ગેંગના સાગરીતોની ઓળખ થઇ હતી. જેમાં અગાઉ લુંટ તેમજ ઘરફોડ ચોરીના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવયેલ આરોપી કલ્પેશ ઉર્ફે પટ્ટી પરશુભાઈ મોહનિયા (રહે,માળ ફળીયુ, ઉંડાર, તા.ધાનપુર, જી. દાહોદ) પણ સામેલ હોવાનું પ્રકાશમાં આવતા ઉંડાર ગામે રાત્રીના સમયે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગેંગ સાથે મળી બંગલામા ધાડ પાડી હતી
આ દરમિયાન દાહોદના હ્યુમન સોર્સથી બાતમી મળેલી કે, ગેંગનો સાગરીત કલ્પેશ ઉર્ફે પટ્ટી હાલમાં ચિલોડા સર્કલ પાસે મજુરી કામ કરતાં તેના કોઇ સગા-સંબંધીને મળવા માટે જવાનો છે. જે બાતમીના આધારે એક ટીમે ચિલોડા ખાતે પહોંચી જઇ કલ્પેશને ઉઠાવી લીધો હતો. જેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ કરતાં તેણે ગેંગ સાથે મળી બે વર્ષ અગાઉ પલોડીયા ગામે રાત્રીના સમયે એક બંગલામાં ધાડ પાડવા ઉપરાંત તે સમયગાળા દરમ્યાન ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં તેમજ કલોલ શહેરમાં રાત્રીના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરેલાની કબુલાત કરી હતી.
પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો
આ અંગે પીઆઈ પરમારે કહ્યું કે, આરોપીની તપાસમાં સાંતેજ, સેક્ટર 7 તેમજ કલોલ શહેર વિસ્તારના લૂંટ – ઘરફોડ ચોરીના પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉપરોક્ત ગુનાઓમાં ઉંડાર ગેંગના નરેશ પરશુ મોહનિયા, વિક્રમ નબળાભાઇ મોહનિયા, દિલીપ ઉર્ફે દિલો કાળીયા મોહનીયા, દલો ઉર્ફે ગાંડો કાળીયા મોહનીયા હિમસીંગ પરશુ મોહનિયા, રામસીંગ પરશુ મોહનિયા અને મુકેશ કાળીયા મોહનિયાના નામ ખૂલ્યા છે.
બંધ બંગલા, મકાનોનો સર્વે કરતા અને રાત્રીના સમયે ગુનાને અંજામ આપતા
મોહનિયા ગેંગની મોડસ ઓપરેન્ડી જોઈએ તો આ ગેંગમાં આઠથી દસ જેટલા સભ્યો છે, જેઓ એકજ કુટુંબના અને સગા સંબંધીઓ થાય છે. જેઓ મજુરી કામ અર્થે અલગ અલગ શહેરમાં જઇ દિવસ દરમ્યાન બાંધકામની ચાલતી સાઇટો ઉપર મજુરી કામના બહાના હેઠળ આસપાસની સોસાયટીમાં આવેલ બંધ બંગલા, મકાનોનો સર્વે કરતા અને રાત્રીના સમયે ગુનાને અંજામ આપી અવાવરૂ જગ્યાએ સંતાઇ જાય.
ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી લૂંટ કરતા
આ ગેંગ પોતાની ઓળખ અને પહેરવેશ છતી ન થાય તે માટે ચડ્ડી બનિયાનનો વેશ ધારણ કરી મોઢે રૂમાલ બાંધી રાખે અને શરીરે પથ્થરો બાંધી રાખી લોખંડના સળીયા જેવા સાધનોથી ચોરીને અંજામ આપે. આ દરમ્યાન કોઇ પ્રતિકાર કરે તો તેના ઉપર જીવલેણ હુમલો કરી નાસી જાય. કલ્પેશ વિરુધ અગાઉ દાહોદ, સુરત, વડોદરા, દમણ મળીને કુલ 10 ગુના નોંધાયેલા છે.