
અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીએ તાજેતરમાં ટેરિફના મુદ્દે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આંતરાષ્ટ્રીય સ્તરે ટેરિફમાં થતા ફેરફારોથી અમૂલ ફેડરેશનને કોઈ ખાસ અસર થશે નહીં. ચૌધરીએ જણાવ્યું કે, “આપણે 140 કરોડ લોકોનું ખૂબ મોટું માર્કેટ છીએ, તેથી આપણે ટેરિફના મુદ્દે ગભરાવાની જરૂર નથી.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વના ઘણા દેશો વચ્ચે વેપાર સંબંધોમાં ટેરિફને લઈને તણાવ જોવા મળી રહ્યો છે.
ચૌધરીએ જણાવ્યું કે, અમૂલ અમેરિકા સહિત અન્ય દેશોમાં પોતાનો માલ મોકલે છે, પરંતુ કુલ ટર્નઓવરના પ્રમાણમાં આ નિકાસ ખૂબ જ ઓછી છે. તેમણે ઉમેર્યું કે, “જો આપણે આપણા કુલ ટર્નઓવરના ટકાવારીના આધારે ગણીએ તો આ નિકાસનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેથી, આંતરરાષ્ટ્રીય ટેરિફના વધારા કે ઘટાડાથી આપણને કોઈ મોટું નુકસાન થવાની શક્યતા નથી.” આ નિવેદનથી અમૂલના નિકાસ વ્યવસાયની સ્થિરતા અને ભારતના આંતરિક બજારની મજબૂતાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે.
અશોક ચૌધરીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, અમૂલ ફેડરેશન મુખત્વે ભારતીય ગ્રાહકો પર આધાર રાખે છે અને આંતરાષ્ટ્રીય બજારની અનિશ્ચિતતાઓથી તે ઓછું પ્રભાવિત છે. આત્મનિર્ભર ભારતની કલ્પનાને અનુરૂપ, અમૂલ તેના વિશાલ સ્થાનિક બજારના કારણે વૈશ્વિક વેપારની નીતિઓથી ઓછા જોખમમાં છે. આ નિવેદન ડેરી ઉદ્યોગમાં સંકળાયેલા લાખો ખેડૂતો અને સહકારી સભ્યોને પણ આશ્વાસન આપે છે કે તેમનો વ્યવસાય સુરક્ષિત છે.