ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન શોપિંગ કે બિલ પેમેન્ટ પછી મળતું કેશબેક આજકાલ સામાન્ય થઈ ગયું છે. લોકો તેને બોનસ અથવા બચતનો સરળ રસ્તો માને છે. પરંતુ હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેંટ પણ આવા ટ્રાન્ઝેકશન પર નજર રાખી રહ્યું છે. જો તમને મોટી રકમનું કેશબેક મળ્યું હોય અને તમે તેને ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવ્યું ન હોય, તો નોટિસ મળવાની શક્યતા છે.
કેશબેક ક્યારે ટેકસેબલ ઇન્કમ ગણાશે?
ટૅક્સ નિયમો અનુસાર, કેશબેકને “અન્ય સ્ત્રોતોમાંથી આવક” તરીકે વર્ગીકૃત કરી શકાય છે, ખાસ કરીને જ્યારે રકમ મોટી હોય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ, લક્ઝરી હોટેલ બુકિંગ, મોંઘા મોબાઇલ અથવા ગેજેટ્સ જેવી મોંઘી ખરીદી પર મળેલ કેશબેક કરના દાયરામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર કેશબેક મેળવવા માટે મોટી રકમનું ટ્રાન્ઝેકશન કરે છે, તો વિભાગ તેને આવક તરીકે પણ ગણી શકે છે. તમારા ખાતામાં સતત મોટી રકમનું કેશબેક મળવું પણ શંકાનું કારણ બની શકે છે.
એક અહેવાલ મુજબ, 2016 માં, એક ખાનગી કંપનીમાં કામ કરતા એક કર્મચારી ને ઇન્કમટેક્સ ડિપાર્ટમેંટ તરફથી નોટિસ મળી ત્યારે તે ચોંકી ગયો. તેનું કારણ ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર મળેલ ₹2,500 નું કેશબેક હતું. રોહિતે તેને કરપાત્ર આવક ગણી ન હતી અને રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ વિભાગે તેને “અન્ય સ્ત્રોતોમાંથી આવક” ગણી નોટિસ મોકલી. આના પરથી તમે સમજી શકો છો કે એક નાની ભૂલ પણ નોટિસનું કારણ બની શકે છે.
ટેક્સ નોટિસથી કેવી રીતે બચવું?
- દરેક કેશબેક અને રોકડ વ્યવહારનો રેકોર્ડ રાખો.
- જો રકમ મોટી હોય, તો તેને તમારા ITR માં સામેલ કરો.
- સમયસર આવકવેરા રિટર્ન ફાઇલ કરો.
- વારંવાર મોટી રકમ જમા કરાવવાનું ટાળો.
શું નાના કેશબેક પર પણ ટેક્સ લાગે છે?
જો કેશબેક ₹50, ₹100 અથવા ₹500 જેવી નાની રકમનું હોય અને તે સામાન્ય ખરીદી અથવા ડિજિટલ ચુકવણી પર પ્રાપ્ત થાય, તો તેને સામાન્ય રીતે કરપાત્ર ગણવામાં આવતું નથી. આવા કેશબેકને પ્રોત્સાહન અથવા ડિસ્કાઉન્ટ તરીકે જોવામાં આવે છે. પરંતુ મોટા અને વારંવાર મળતા કેશબેક વિશે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેને આવકનો એક ભાગ ગણી શકાય.