
પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સના ઘરોનો રાંધણ ગેસ સપ્લાય બંધ કરી દીધો છે. આ ઉપરાંત, સ્થાનિક ગેસ સિલિન્ડર સપ્લાયર્સને પણ ભારતીય ડિપ્લોમેટ્સને સિલિન્ડર ન આપવાની સૂચના આપવામાં આવી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ઇસ્લામાબાદે મિનરલ વોટર અને અખબારો આપવાનું પણ બંધ કરી દીધું છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ બદલો લેવાના પગલા તરીકે પાકિસ્તાને આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, આ પગલું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની યોજનાનો એક ભાગ છે. આ અંતર્ગત, પાકિસ્તાન બદલો લેવાની નાની-નાની કાર્યવાહી કરી રહ્યું છે. પાકિસ્તાને પહેલા પણ આવા કૃત્યો કર્યા છે. 2019માં પુલવામા હુમલાના જવાબમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પછી પણ, પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય ડિપ્લોમેટ્સને આવી જ રીતે હેરાન કર્યા હતા. જવાબી પગલા તરીકે, ભારતે દિલ્હીમાં તહેનાત પાકિસ્તાની ડિપ્લોમેટ્સને અખબારો પહોંચાડવાનું પણ બંધ કરી દીધું છે.
ગેસ, પાણી અને અખબારો બંધ કરવાનો પાકિસ્તાનનો નિર્ણય ડિપ્લોમેટિક સંબંધો પરના વિયેના સંમેલન (1961)નું ઉલ્લંઘન છે. સંમેલનની કલમ 25 મુજબ, યજમાન દેશે ડિપ્લોમેટિક મિશનના સુચારુ સંચાલન માટે તમામ સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. આ આવશ્યક પુરવઠાને જાણી જોઈને અવરોધિત કરીને, પાકિસ્તાને મિશનના કાર્ય અને ડિપ્લોમેટ્સના રોજિંદા જીવનમાં વિક્ષેપ પાડ્યો છે. સંમેલનનો હેતુ ડિપ્લોમેટિકને ભય અને દખલગીરી વિના કામ કરવા સક્ષમ બનાવવાનો છે. પાકિસ્તાનની આ ક્રૃત્યો ભય અને દબાણનું વાતાવરણ બનાવવાનો સીધો પ્રયાસ છે. પહેલગામ હુમલા પછી, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક લોકોના ટોળાએ ભારતીય હાઈ કમિશનની બહાર હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ ગેટ કૂદીને અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો અને ભારત વિરોધી નારા પણ લગાવ્યા. પાકિસ્તાન પર ભારતીય હાઇ કમિશનની બહારથી જાણી જોઈને સુરક્ષા હટાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
7 મેના રોજ, મોડી રાત્રે 1.30 વાગ્યે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના રાજ્ય મીડિયા અનુસાર, ભારતે કોટલી, બહાવલપુર, મુરીદકે, બાગ અને મુઝફ્ફરાબાદ પર હુમલો કર્યો હતો. આમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ઠેકાણાનો સમાવેશ થાય છે.