
અમેરિકામાં બે વિમાનો સામ સામે અથડાવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર બની છે. મળતી માહિતી અનુસાર, એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું એક વિમાન એરપોર્ટ પર જ ઊભેલા બીજા વિમાન સાથે અથડાઈ ગયું. ટક્કર બાદ જબરદસ્ત આગ ભભૂકી ઉઠી અને એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર ચાર લોકોને લઈને મુસાફરી કરતું એક સિંગલ એન્જિન વાળું નાનું વિમાન બપોરે અંદાજે 2 વાગ્યે કાલિસ્પેલ શહેરના એરપોર્ટ પર લૅન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. લૅન્ડિંગ દરમિયાન એ વિમાને એરપોર્ટ પર ઊભા એક ખાલી વિમાને ટક્કર મારી દીધી. ટક્કર બાદ ભારે આગ લાગતાં દોડધામ મચી ગઈ.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે એક વિમાન આવ્યું અને રનવેના અંતે બીજા વિમાન સાથે અથડાઈ ગયું. જે વિમાન ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું તેમાં આગ લાગી ગઈ હતી. સદ્દનસીબે પરંતુ પાયલટ અને ત્રણેય મુસાફરો પોતે જ ફટાફટ બહાર નીકળી ગયા અને આ ઘટનામાં કોઈના જાનહાનિ થઈ નથી. બે મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી અને તેમની એરપોર્ટ પર જ સારવાર કરવામાં આવી રહી છે.