
વિશ્વમાં એક દેશ એવો પણ છે જ્યાં જઘન્ય ગુના માટે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે છે. જેનો આંકડો અન્ય દેશો કરતા વધારે છે. વાત છે ઇસ્લામિક દેશ સાઉદી અરેબિયાની, અહીં ફાંસીની સજા આપવાના કેસોમાં પાછલા વર્ષો કરતા વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાઉદી અરેબિયાએ એક જ દિવસમાં એક બે નહીં પરંતુ આઠ લોકોને ફાંસીની સજા આપી છે. જેમાં મોટાભાગના લોકો ડ્રગ્સની દાણચોરીના આરોપી હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શનિવારે ચાર સોમાલી અને ત્રણ ઇથોપિયન નાગરિકોને હશીશની દાણચોરી કરવાના ગુનામાં નજરાનમાં ફાંસી આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન માતાની હત્યાના આરોપમાં એક સાઉદી નાગરિકને પણ ફાંસી આપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, સાઉદીમાં ડ્રગ્સના ગુનામાં ફાંસીની સજા આપવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે સાઉદીએ એક જ દિવસમાં આઠ લોકોને ફાંસીએ ચડાવ્યાં છે. સાઉદી પોતાના દેશમાં ડ્ર્ગ્સની તસ્કરી કરતા લોકોને ફાંસીની સજા આપે છે. જેના કારણે વૈશ્વિક સ્તરે તેની ખૂબ જ આલોચના પણ થાય છે. વિરોધ થયા આવા કેસમાં ફાંસીની સજા આપવામાં થોડા સમય માટે રોક લગાવી હતી.