
ભારતના અનેક રાજયોમાં કેટલાંક દિવસોથી વરસાદી તાંડવ છે અને હજુ આ સિલસિલો ચાલૂ જ છે. ઉતરપ્રદેશ, ઉતરાખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા આસામ સહીત દેશના સાત રાજયોમાં મેઘ કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત રહ્યુ છે. નદીઓ ગાંડીતુર હોવાથી તથા વાદળ ફાટવાની ઘટનાઓથી અનેક ભાગોમાં પુરસંકટ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, પાલઘર સહીતના ભાગો જળબંબાકાર બનવા સાથે રોડથી માંડીને વિમાની સેવા બાધીત રહી હતી રેડ એલર્ટની ચેતવણી વચ્ચે લોકોને બિનજરૂરી બહાર નહિં નિકળવાની સલાહ આપવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશમાં પણ ઠેકઠેકાણે ભારે વરસાદ નોંધાયો હતો. અનેક સ્થળોએ ભૂસ્ખલનથી ત્રણ રાષ્ટ્રીય ધોરી માર્ગ સહીત 400 માર્ગો બંધ રહ્યા હતા સિમલા, મંડી માર્ગ પણ બંધ હતો.
સિઝનનો મૃત્યુઆંક 260 ને વટાવી ગયો હતો. રાજયના લાગ ખીણ વિસ્તારમાં આજે ફરી વાદળ ફાટવાની ઘટના બની હતી જેનાથી વ્યાપક નુકશાનીની આશંકા વ્યકત થઈ રહી છે.
પંજાબના પઠાણકોટ સહિત 10 જીલ્લામાં ભારે વરસાદથી પુર સંકટ રહ્યું હતું. સતલજ તથા રાવી નદી ગાંડીતુર બનતા હાલત ગંભીર બની હતી. હરિયાણામાં હથીનીકુંડમાંથી 58000 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં પણ અનેક ભાગોમાં ભારે વરસાદ વચ્ચે ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. કુપવાડામાં મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
મધ્યપ્રદેશનાં ઈન્દોર સહીતનાં ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો દિવાલ ઘસી પડવાથી ત્રણ લોકોના મોત થયા હતા. બીજી તરફ કેન્દ્રીય જળ આયોગ દ્વારા દેશના અનેક ભાગોમાં પુરસંકટ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે.
બિહાર, ઉતરપ્રદેશ, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉપરાંત આસામ ઉતરપ્રદેશ, ઉતરાખંડ, આંધ્રપ્રદેશના 50 જેટલા સ્થળોએ પુરની ચેતવણી જારી કરી છે.