પરીક્ષામાં ગેરરીતિ કરનાર 414 વિદ્યાર્થીઓ સામે GTUની કડક કાર્યવાહી

Spread the love

 

GTUમાં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. કુલ 445 વિદ્યાર્થીઓમાંથી 414 વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને સજા સંભળાવવામાં આવી છે. આ કાર્યવાહીના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ગેરરીતિ કરનાર તમામ વિદ્યાર્થીઓને બે સ્તરમાં વહેંચી સજા સંભળાવવામાં આવી છે. જેમાંથી 215 વિદ્યાર્થીઓ એક વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે.
GTUએ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે સખત પગલાં લીધા છે. યુનિવર્સિટીની અનફેર મીન્સ (UFM) કમિટી દ્વારા કુલ 445 વિદ્યાર્થીઓના કેસની સુનાવણી કરવામાં આવી હતી. જેમાંથી, 31 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 414 વિદ્યાર્થીઓ ગેરરીતિ માટે દોષિત સાબિત થયા છે. આ વિદ્યાર્થીઓને નિયમાનુસાર સજા કરવામાં આવી છે.
GTUના રજીસ્ટ્રાર કે. એન. ખેર એ જણાવ્યું હતું કે, ગેરરીતિના કેસમાં વિદ્યાર્થીઓ CCTV ફૂટેજ અને સુપરવાઈઝરના રૂબરૂ નિવેદનોના આધારે પકડાયા હતા. આ ગેરરીતિઓમાં મોબાઈલનો ઉપયોગ, ચીટશીટ, પૂરવણી બદલવી અને કોપી કરવી જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી.

બે સ્તરમાં વિદ્યાર્થીઓને સજા કરાઇઃ આ કાર્યવાહીમાં, 414 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે, જેને મુખ્ય બે સ્તરમાં વહેંચવામાં આવી છે:
લેવલ 3ની સજા: 215 વિદ્યાર્થીઓને આ સજા કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓના વર્તમાન સેમેસ્ટરના તમામ વિષયોના પરિણામ રદ કરવામાં આવ્યા છે અને તેમને આગામી બે સેમેસ્ટર એટલે કે એક વર્ષ સુધી કોઈ પણ પરીક્ષા આપવાની મંજૂરી મળશે નહીં.
લેવલ 2ની સજા: 174 વિદ્યાર્થીઓને આ સજા થઈ છે. આ વિદ્યાર્થીઓના પણ વર્તમાન સેમેસ્ટરના તમામ વિષયોના પરિણામ રદ કરવામાં આવ્યા છે, પરંતુ તેમને આગામી સેમેસ્ટરમાં પરીક્ષા આપવાની મંજૂરી મળશે.
ત્રણ વિદ્યાર્થીઓના કેસ પેન્ડિંગઃ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને સુપરવાઈઝરના નિવેદનો લીધા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, ત્રણ વિદ્યાર્થીઓના કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે, જેમની સુનાવણી આજે થવાની છે. યુનિવર્સિટીના આ પગલાથી ભવિષ્યમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને કડક સંદેશ મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *