
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે, વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ ઉન્નત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ ઉજવણીના ભાગરૂપે, AMC દ્વારા સંચાલીત 452 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરના પ્રોફેસરો ભણાવવા આવશે. જ્યારે 60 સ્કૂલના 25 હજાર વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરની મુલાકાત કરાવવામાં આવશે. આ ભાગીદારીનો હેતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે.
આ પહેલ હેઠળ, IIT ગાંધીનગરના પ્રોફેસરો અઠવાડિયામાં ત્રણ દિવસ AMC સંચાલિત સ્કૂલોની મુલાકાત લેશે. IITના પ્રોફેસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સના પાઠ ભણાવશે. અઠવાડિયામાં ત્રણ દિવસ કોર્પોરેશનની સ્કૂલોમાં જઇ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ ગણિત વિજ્ઞાનના પ્રયોગો કરાવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ બોર્ડની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
સ્કૂલ બોર્ડના ચેરમેન શાસનાધિકારી લબ્ધિર દેસાઈ એ જણાવ્યું કે, ઉજવણી અંતર્ગત IIT ગાંધીનગરના પ્રોફેસરો અઠવાડિયામાં ત્રણ દિવસ કોર્પોરેશનની સ્કૂલોમાં જઇ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ટેકનોલોજી તેમજ ગણિત વિજ્ઞાનના પ્રયોગો કરાવશે. જે અંતર્ગત IIT ગાંધીનગર દ્વારા 60 સ્કૂલોના 25 હજાર વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરની મુલાકાત કરાવશે. અન્ય જે ઉજવણી થવાની છે તેમાં સ્કૂલબોર્ડમાં ચાલતી 452 સ્કૂલો ધોરણ 3થી 8ના 1 લાખ 71 હજાર 785 વિદ્યાર્થીઓ અને 5200 શિક્ષકો વચ્ચે શ્રેષ્ઠ સ્કૂલ માટે 100 ગુણની મૂલ્યાંકન સ્પર્ધા યોજાશે.
જિલ્લા શિક્ષણ આસપાસના ભવનોમાંથી અધ્યાપકોને મૂલ્યાંકન માટે બોલાવવામાં આવશે. આ સ્પર્ધામાં 100 જેટલી શ્રેષ્ઠ સ્કૂલની મૂલ્યાંકનના આધારે પસંદગી કરવામાં આવશે. આ 100 સ્કૂલોમાં વિદ્યાર્થીઓના અને સ્કૂલના વિકાસ માટે આચાર્યના ખાતામાં એક લાખ રૂપિયા આપવામાં આવશે. તેવી જ રીતે આ ઉજવણીના ત્રીજા ભાગરૂપે કોર્પોરેશનની સ્કૂલોમાં અભ્યાસ કરી ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ IAS, IPS થયા છે રાજકીય ક્ષેત્રે આગેવાન બન્યા છે, ડોક્ટર, વકીલ બન્યા છે કે પછી સમાજમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. તેમની પાસે સ્કૂલના આચાર્યો જશે અને જેટલું અનુદાન સ્કૂલ માટે મેળવશે તેટલું જ અનુદાન સ્કૂલ બોર્ડ જે તે સ્કૂલના વિકાસ માટે આચાર્યના ખાતામાં જમા કરાવશે. ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ સામાજિક આગેવાન પાસેથી આચાર્યએ તેની માતૃસંસ્થાના વિકાસ માટે પાંચ લાખનું ભંડોળ મળ્યું છે તો તેટલું જ ભંડોળ સ્કૂલ બોર્ડ જે તે આચાર્યના ખાતામાં સ્કૂલના અને વિદ્યાર્થીઓના વિકાસ માટે આપશે.