
અમદાવાદના શાસ્ત્રીનગરમાં આવેલી સરદાર પટેલ આવાસ યોજનામાં 14માં માળેથી કૂદીને યુવતીએ આપઘાત કર્યો છે. યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી નહોંતી, પરંતુ બહારથી આવીને 14માં માળે જઈને આપઘાત કર્યો હતો. આ અંગે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સરદાર પટેલ આવાસ 14માં માળ સુધી મકાન છે, ત્યાં 22 વર્ષની યુવતી એક્ટિવા લઈને આવી હતી. યુવતીએ આવાસ યોજનામાં એક્ટિવા પાર્ક કરીને 14માં માળે પહોંચી હતી અને કૂદીને આપઘાત કર્યો હતો. યુવતી નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. બનાવ બનતા સોસાયટીના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ થતા ઘાટલોડીયા પોલીસ સ્થળ પર પહોંચી હતી.
પોલીસે યુવતીની ઓળખ કરીને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ તપાસમાં યુવતી સરદાર પટેલ આવાસ યોજનાની રહેવાસી ન હોવાનું સામે આવ્યું હતું. યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલીને પોલીસે સુસાઇડ નોટ છે કે નહીં? તેની તપાસ કરી છે. યુવતીના મોત અંગેનું કોઈ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘાટલોડીયા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.