India Tejas fighter jet deal: ભારતીય વાયુસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો કરવા માટે, મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 97 અદ્યતન LCA Mark 1A ફાઇટર જેટ ખરીદવા માટે ₹62,000 કરોડના સોદાને મંજૂરી આપી દીધી છે. આ તમામ ફાઇટર જેટ ભારતમાં જ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવશે, જેનાથી દેશની સંરક્ષણ શક્તિ અને આત્મનિર્ભરતા બંને વધશે.
આ નવા વિમાનો જૂના મિગ-21 ફાઇટર જેટનું સ્થાન લેશે.
ભારતીય વાયુસેના (IAF) માટે ₹62,000 કરોડના ખર્ચે 97 નવા LCA Mark 1A ફાઇટર જેટ ખરીદવામાં આવશે. આ સ્વદેશી વિમાનો HAL દ્વારા બનાવવામાં આવશે અને તેમાં 65% થી વધુ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ સોદો ભારતીય વાયુસેનાના જૂના મિગ-21 ફાઇટર જેટને તબક્કાવાર રીતે નિવૃત્ત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ આધુનિક વિમાનો વાયુસેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો કરશે અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને નવી દિશા આપશે.
સ્વદેશી નિર્માણ અને શક્તિ
આ તમામ ફાઇટર જેટ ભારતમાં જ સરકારી કંપની HAL દ્વારા બનાવવામાં આવશે. આ LCA Mark 1A વિમાનોમાં અગાઉના મોડેલ કરતાં વધુ સારી એવિઓનિક્સ, આધુનિક રડાર ટેકનોલોજી અને ઉચ્ચ ફાયરપાવર હશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિમાનોમાં 65% થી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ થશે, જે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાને વેગ આપશે. આ LCA Mark 1A માટે આ બીજો મોટો ઓર્ડર છે, કારણ કે થોડા વર્ષો પહેલા જ ₹48,000 કરોડના ખર્ચે 83 જેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
મિગ-21 ની નિવૃત્તિ
ભારતીય વાયુસેના તેના જૂના અને ઐતિહાસિક મિગ-21 ફાઇટર જેટને તબક્કાવાર રીતે નિવૃત્ત કરી રહી છે. આ નવા LCA તેજસ વિમાનો મિગ-21નું સ્થાન લેશે, જે એક સમયની વાયુસેનાની કરોડરજ્જુ હતા. 19 સપ્ટેમ્બર, 2025 ના રોજ ચંદીગઢ એરબેઝ પર એક ખાસ સમારોહમાં મિગ-21 ને ઔપચારિક વિદાય આપવામાં આવશે. આ વિમાનોને સૌપ્રથમ 1963 માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમણે 1962 ના યુદ્ધ સહિત અનેક યુદ્ધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભવિષ્યની યોજનાઓ
રિપોર્ટ અનુસાર, HAL ભવિષ્યમાં 200 થી વધુ LCA Mark-2 અને તેટલી જ સંખ્યામાં પાંચમી પેઢીના અદ્યતન ફાઇટર જેટ માટેનો સોદો પણ મેળવવાની શક્યતા છે. આનાથી ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને એક નવી ઓળખ મળશે અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગૌરવ સાથે ચમકશે. આ પગલાં ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો સામે ભારતની હવાઈ તાકાતને વધુ મજબૂત બનાવશે.