રાજકોટ: ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની લાંબા સમયથી અટકી પડેલી પ્રક્રિયામાં એક તરફ મોવડી મંડળ તરફથી હજું કોઈ સંકેત નથી તે સમયે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે નિયુક્ત થયેલા ચુંટણી પ્રભારી તથા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ સોમવારે રાત્રીના અચાનક જ અમદાવાદ પહોંચ્યા હતા અને રાત્રીરોકાણ કરીને સવારે 7.30ની ફલાઈટમાં દિલ્હી પરત જતા યાદવની આ ‘નાઈટ-સ્ટે’ના હેતુ અંગે રાજકીય ચર્ચા છેડાઈ છે.
જો કે શ્રી યાદવની ગુજરાત ભાજપના કોઈ અગ્રણીઓ સામે મુલાકાત થયાના સંકેત નથી. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમના વતન રાજય બિહારમાં છે તેથી આ મુલાકાતને નવા પ્રદેશ પ્રમુખની પસંદગી સામે કોઈ કનેકશન હોવાનું નકારાયું છે. એક સંકેત મુજબ કોઈ ફલાઈટ કનેકશન સંદર્ભમાંજ તેઓને રાત્રીના 11.30ના અમદાવાદ આવવું પડયું હતું અને સવારે રવાના થયા હતા.
બીજી તરફ ગુજરાતમાં આગામી બે દિવસના 24-25ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અને તેઓ અમદાવાદમાં સભાને પણ સંબોધવાના છે તે ઉપરાંત આગામી મહિને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિન છે.
આમ ભાજપના કાર્યક્રમો આવી રહ્યા છે તે સંદર્ભમાં હવે ગુરૂવારે કમલમમાં પક્ષના સાંસદો, ધારાસભ્યો, જીલ્લા અને પ્રદેશ પ્રમુખોની બેઠક મળનાર છે જેને પ્રદેશ મહામંત્રી રજની પટેલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી લેશે. આમ ગુજરાત ભાજપમાં હજુ કોઈ નવા સંગઠનની હિલચાલ નથી.