
આઇટીની ટીમે અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે શરૂ કરેલી વેરિફિકેશન કામગીરી સોમવારની મોડી રાત્રે પૂરી થઈ હતી અને અધિકારીઓ ઢગલાબંધ વિગતો એકત્રિત કરી કેટલાંક ડેટા પણ મેળવ્યા છે, જેમાં પાંચ હજાર દસ્તાવેજોની વિગતો છે. આ તમામ વિગતોની હાલ ખણખોદ ચાલી રહી છે. અનેક કેસ એવા સામે આવ્યા છે, જેમાં પાનકાર્ડ ખોટા લખાયા હોવાથી નોટિસો ખોટા વ્યક્તિને મળી છે. જેણે તો ખરેખર મિલકતની ખરીદી કરી જ નથી. આ ઉપરાંત એક શંકા એ પણ છે કે જંત્રી કરતા ઓછી કિંમતે દસ્તાવેજો રજિસ્ટર્ડ થયા છે.
જ્યારે કેટલાંક કેસમાં વિગતો મોકલવામાં ન આવી હોવાની પણ શંકા છે. પચાસ લાખ અને એક કરોડથી વધુના કેટલાં દસ્તાવેજ નોંધાયા છે તેની વિગતો વિગતો અધિકારીઓ કાઢી રહ્યા છે તપાસની દિશા હાલ કરોડોની જમીન, ફ્લેટ અન રો-હાઉસ પર જ મંડરાઈ છે. અધિકારીઓને સિસ્ટમે જ દસ્તાવેજોની યાદી આપી છે એ અને સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી જે યાદી મળી છે તેની સરખામણી કરવામા આવી રહી છે.
એડવોકેટ અમર પટેલ કહે છે કે, અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીના દાયરામાં અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં હજી પ્રોપર્ટીઓનું ડેવલપમેન્ટ ચાલુ છે અને આ જ વિસ્તારો સુરતના સૌથી ઝડપથી વિકસતા વિસ્તારોમાંના છે, જ્યાં અનેક ગામોનો પણ સમાવેશ થાય છે. મૂળ સુરતીઓ હોય કે મધ્યમ વર્ગીય પરિવાર હોય તેઓ અહીં મકાનો વસાવી રહ્યા છે.
સી.એ. ડેનિશ ચોકસી અને તિનિશ મોદી કહે છે કે, કાયદા મુજબ ડોકયુમેન્ટ વેલ્યુ અને જંત્રી દર વચ્ચે જો 10 ટકા જેટલો તફાવત હોય તો ચાલે. જેમકે જંત્રી દર પ્રમાણે મિલકતની કિંમત 1.08 કરોડ હોય અને જંત્રી 1 કરોડ થતી હોય તો વાંધો નથી. પરંતુ જો જંત્રી દરના આધારે કિંમત 1.15 કરોડ થતી હોય તો નહીં ચાલે. આવા કેસોમાં 15 લાખનું એડિશન થઈ જતું હોય છે. જંત્રી કરતા ઓછી કિંમતે દસ્તાવેજ નોંધાવનારા અનેકને હાલ નોટિસ મળી છે. જો કોઈ સ્ટેમ્પ વધારીને મિલકતની કિંમત ઓછી રાખે તો તે કચેરીના અધિકારીની જવાબદારી બને છે કે તે AIR રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કરે.
AIR (એન્યુઅલ ઇન્ફર્મેશન રિપોર્ટ)માં કરદાતાએ વર્ષ દરમિયાન જે મોટા ખર્ચા કે રોકાણ કર્યું હોય તેની વિગતો અપાતી હોય છે. ઘણીવાર આવી વિગત રિટર્નમાં બતાવાતી નથી પરંતુ અધિકારીઓ AIR રિપોર્ટના આધારે આવા તફાવત પકડી પાડે છે. હાલ એવું પણ થયું છે કે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરો જે એન્ટ્રી કરે છે તેમાં દસ્તાવેજોની નોંધણીમાં પાનકાર્ડ ખોટા ટાઈપ થઇ જતા હોવાથી આઈટીને પુરતી વિગતો મળતી નથી.