
ગુજરાત હાઇકોર્ટમાં માંડવીની કઠડા ગ્રામ પંચાયત, ગૌ સેવા ટ્રસ્ટ અને માંડવી ગામના પ્રતિનિધિ દ્વારા ગૌચર જમીનને લઈને એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મુદ્દે આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી અને અરજદારે રજૂઆતો કરી હતી.બંને પક્ષોની રજૂઆત સાંભળી કોર્ટે કહ્યું હતું કે, તે રાષ્ટ્ર માટે મહત્વના પ્રોજેક્ટને રોકી શકે નહીં. ગ્રામ પંચાયત નજીકની ગૌચર જમીન જોઈને રિઝોલ્યુશન પસાર કરીને કલેકટર સમક્ષ રજૂઆત કરે. જેમ બને તેમ જલદી કલેકટર પંચાયતના રિઝોલ્યુશન પર નિર્ણય લે.
આજની સુનવણીમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, કચ્છના બોર્ડર વિસ્તારમાં માંડવી એરસ્ટ્રીપનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. જેથી આસપાસના ગામોની ગૌચર જમીન લઈને તેમણે 30 કિલોમીટર દૂર ગૌચર જમીન ફાળવવામાં આવી છે. કુલ 39 લાખ સ્ક્વેર કિલોમીટર જેટલી જમીન લઈ લેવામાં આવી છે. માત્ર 36 હજાર સ્ક્વેર મીટર જેટલી જ જમીન વધી છે. ગ્રામીણ લોકોએ અને પશુઓએ 30 કિલોમીટર સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અરજદારો પ્રોજેક્ટ રોકવા નથી માંગતા તેમને ફક્ત ગૌચર જમીન ગામની નજીકમાં જોઈએ છે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે જે સૌથી નજીકની જમીન હતી તે ગૌચર જમીન 03 ગામો વચ્ચે આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ડિફેન્સ હેતુ માટે અતિ મહત્વનો છે. કોર્ટે કહ્યું હતું કે તે રાષ્ટ્ર માટે મહત્વના પ્રોજેક્ટને રોકી શકે નહીં. ગ્રામ પંચાયત નજીકની ગૌચર જમીન જોઈને રિઝોલ્યુશન પસાર કરીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરે,જેમ બને તેમ જલ્દી કલેક્ટર પંચાયતના રિઝોલ્યુશન ઉપર નિર્ણય લે. સરકાર ઇચ્છે છે તમે ત્યાંથી દૂર જાઓ જો ત્યાં રહેવું હોય તો તમે જમીન શોધો. આ સાથે જ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.
અગાઉ અરજદારે આજે કોર્ટને જણાવ્યું હતું કે, માંડવી ગામની જૂની ગૌચર, નવી અપાયેલી ગૌચર જમીન કરતા 30 કિલોમીટર દૂર છે. વળી તે વન વે રોડ ઉપર આવેલ છે. જ્યારે સરકારે જણાવ્યું હતું કે જૂની ગૌચર જમીન કરતા વધુ જમીન ગામોને ફાળવવામાં આવી છે. કઠડા ગામની મૂળ ગૌચર જમીન કરતા નવી અપાયેલી ગૌચર જમીન 2.5 થી 2.9 કિલોમીટર દૂર છે. જ્યારે માંડવી ગામની મૂળ ગૌચર જમીન કરતા નવી અપાયેલી જમીન 30 નહિ પરંતુ 5.3 કિલોમીટર દૂર છે. માંડવી એરપોર્ટનું હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરવાનું હોવાથી આ ગામોની ગૌચર જમીન લેવામાં આવી છે.
સરકારી વકીલે જણાવ્યું હતુ કે, ગૌચર જમીન ગ્રામ્ય કેન્દ્રિત હોતી નથી. જેથી હાઇકોર્ટે આ બાબત કલેકટરની પર્સનલ એફિડેવિટ ઉપર આપવા જણાવ્યું હતું. હાઇકોર્ટે અગાઉ ટકોર કરી હતી કે કાયદા મુજબ જ્યારે ગૌચર જમીન લેવાની થાય તે પહેલાં ગામને તેટલી જ અન્ય ગૌચર જમીન ફાળવવી પડે. સરકાર પહેલા ગૌચર જમીન લઈ લે છે. બાદમાં કોર્ટમાં આવીને કહે છે કે, તેમની પાસે ગામને આપવા અન્ય કોઈ ગૌચર જમીન નથી. વિકાસના નામ ઉપર સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહિ.
સરકારી વકીલે રજૂઆત નકશા ઉપરથી રજૂઆત કરી હતી. ત્યારે હાઇકોર્ટે એફિડેવિટ માંગી હતી. વળી કોર્ટે જણાવ્યું હતું કે કચ્છમાં લોકો પશુપાલન કરીને આજીવિકા રળતા હોય છે. ત્યારે ત્યાંના કઠિન વાતાવરણમાં 05 કિલોમીટર દૂર ગૌચર આપવાથી આવતા જતા 10 કિલોમીટરનું અંતર થાય. જેથી કોર્ટે કચ્છ કલેકટરનો એફિડેવિટ ઉપર જવાબ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના કલેકટરે જાહેર હેતુ માટે ઉપરોક્ત બે ગામમાંથી 235 હેક્ટર જેટલી જમીન સંપાદન કર્યું હતું. જેમાં ગૌચર જમીનનો સમાવેશ થાય છે. નિયમો મુજબ ગામડાને સંપાદન કરેલી ગૌચર જમીનની સામે તેટલી જ ગૌચર જમીન આપવી પડે.
ત્યારે અરજદારે ફરિયાદ કરી હતી કે કલેક્ટરે ફાળવેલી જમીન મૂળ જમીનથી 33 કિલોમીટર દૂર છે અને વચ્ચે 07 ગામડા આવે છે. જો કે અરજદાર એ પોતાની અરજીમાં ફાળવાયેલી નવી ગૌચરની જમીન 07 કિલોમીટર દૂર બતાવી હતી. વળી આ જમીન ક્યાં છે કેટલી છે વગેરે બાબતો યોગ્ય રીતે જણાવી નહોતી. તેમજ આ નિવેદન સોગંદ ઉપર પણ આપવામાં આવ્યું ન હતું. જેથી અરજદારે કોર્ટની ટીપ્પણી સાંભળીને અરજીમાં સુધારો કરવા સમય માંગ્યો હતો.