
શુક્રવારે નાયગ્રા વોટર ફોલથી ન્યુ યોર્ક શહેર જઈ રહેલી એક પ્રવાસી બસ પલટી ગઈ, જેમાં પાંચ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસના મેજર આન્દ્રે રેએ મીડિયાને જણાવ્યું હતું કે બસના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 12:30 વાગ્યે થયો હતો. બસમાં 54 મુસાફરો હતા. મોટાભાગના મુસાફરોએ સીટ બેલ્ટ પહેર્યા નહોતા, જેના કારણે અકસ્માત દરમિયાન બારીઓ તૂટી જતાં ઘણા મુસાફરો બસમાંથી નીચે પડી ગયા હતા.
ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસના પ્રવક્તા ટ્રુપર જેમ્સ ઓ’કેલાઘને જણાવ્યું કે “બસમાં બાળકો હતા. મોટાભાગના મુસાફરો ભારતીય, ચીની અને ફિલિપિ મૂળના હતા,” ઘાયલોને હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સ દ્વારા બફેલોના એરી કાઉન્ટી મેડિકલ સેન્ટર અને આસપાસની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. ઓ’કેલાઘને જણાવ્યું કે બપોરે 2:10 વાગ્યા સુધીમાં ઓછામાં ઓછા આઠ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. “આ એક મોટી ટૂરિસ્ટ બસ હતી જેને ભારે નુકસાન થયું હતું,”
ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે X પર લખ્યું કે તેમને આ “દુ:ખદ અકસ્માત” વિશે માહિતી આપવામાં આવી છે અને તેમનું કાર્યાલય પોલીસ અને સ્થાનિક અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે. મેડિનાના એક પ્રત્યક્ષદર્શી પોવેલ સ્ટીફન્સે જણાવ્યું હતું કે રસ્તો તૂટેલી બારીઓ, વેરવિખેર વસ્તુઓ અને કાટમાળથી ભરેલો હતો. અકસ્માતને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. વાહનચાલકોને આ વિસ્તારમાંથી પસાર ન થવાની સલાહ આપવામાં આવી હતી. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.