
ગુરુવારે કોલંબિયામાં બે અલગ અલગ હુમલાઓમાં 18 લોકો માર્યા ગયા હતા. ગુરુવારે કોલંબિયાના કાલી શહેરમાં એર બેઝ નજીક એક ટ્રકમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આમાં 6 લોકો માર્યા ગયા છે, જ્યારે 71 થી વધુ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ માર્કો ફિડેલ સુઆરેઝ મિલિટરી એવિએશન સ્કૂલ પાસે થયો હતો. આના થોડા કલાકો પહેલા, કોકેઈન પાકનો નાશ કરવા જઈ રહેલા પોલીસકર્મીઓને લઈ જતા હેલિકોપ્ટર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આમાં 12 પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ જણાવ્યું હતું કે આ હુમલાઓ પાછળ બળવાખોર સંગઠન FARCના જૂથોનો હાથ છે. FARCનો ઉદ્દેશ્ય કોલંબિયાની સરકારને ઉથલાવી પાડવાનો છે. જોકે 2016માં શાંતિ કરાર પછી આ સંગઠનને વિખેરી નાખવામાં આવ્યું હતું, તે હજુ પણ ઘણા વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં સક્રિય છે.
કાલીના મેયરે હુમલાની નિંદા કરી અને જવાબદારો વિશે માહિતી આપનારને ઈનામની ઓફર કરી. સાક્ષીઓએ AFP ન્યૂઝને જણાવ્યું કે એર બેઝ નજીક કંઈક વિસ્ફોટ થવાનો જોરદાર અવાજ સંભળાયો. આ ઘટના બાદ, નજીકની ઘણી ઇમારતો અને શાળાઓ ખાલી કરાવવામાં આવી છે. મેયરે શહેરમાં મોટા ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ પણ જાહેર કર્યો છે. સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝે વિસ્ફોટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો અને તેના માટે ‘નાર્કો કાર્ટેલ (ડ્રગ્સ તસ્કરી ગેંગ) જૂથ ગલ્ફ ક્લાન’ને જવાબદાર ઠેરવ્યું . તે જ સમયે, રાષ્ટ્રપતિ અને લશ્કરી નેતૃત્વએ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આજે એક ખાસ બેઠક બોલાવી છે.
કોલંબિયામાં ડ્રગ્સની ખેતી, ખાસ કરીને કોકા, મોટા પાયે થાય છે. કોલંબિયા વિશ્વનો સૌથી મોટો કોકેઈન ઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક કોકેઈન પુરવઠાના લગભગ 60-70% ઉત્પાદન કરે છે. કોલંબિયાના દૂરના અને ગરીબ વિસ્તારો જેમ કે નારિનો, કાકા, પુટુમાયો અને કાક્વેટામાં કોકેઈનનો છોડ મોટા પાયે ઉગાડવામાં આવે છે. 2023માં, કોલંબિયામાં કોકાનું વાવેતર 2.5 મિલિયન હેક્ટર સુધી પહોંચ્યું, જે 2022 કરતા 10% વધુ છે. કોલંબિયાના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી, માળખાગત સુવિધાઓનો અભાવ અને સરકારની હાજરીનો અભાવ કોકાની ખેતીને પ્રોત્સાહન આપે છે. તે સ્થાનિક ખેડૂતો માટે આવકનો એક સ્થિર સ્ત્રોત છે, કારણ કે કોકા અન્ય પરંપરાગત પાકો (જેમ કે કોફી) કરતાં વધુ નફાકારક અને ઓછો શ્રમ માગી લે છે.