
શુક્રવારે રાત્રે પંજાબના હોશિયારપુરમાં શાકભાજી ભરેલા પિકઅપ વાહન (નાની ટ્રોલી) સાથે અથડાયા બાદ એક LPG ટેન્કર વિસ્ફોટ થયું. ત્યાર બાદ એમાં આગ લાગી ગઈ. ગેસ લીકેજને કારણે આગ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ. એમાં 15 દુકાન અને 4 ઘર બળીને ખાક થઈ ગયાં.
એસપી મેજર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના મંડિયાલા ગામ નજીક રાત્રે 11.15 વાગ્યે બની હતી. 3થી 4 લોકોનાં મોત થયાંના અહેવાલ છે. લગભગ 30 લોકો દાઝ્યા છે. ઘાયલોને હોશિયારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી કેટલાક લોકો 30%થી 80% ખરાબ રીતે દાઝ્યા છે.
તેમણે કહ્યું હતું કે FIR નોંધવામાં આવી છે. લોકોનો આરોપ છે કે ગેરકાયદે રીતે ગેસ ભરવામાં આવી રહ્યો છે, અમે એ ખૂણાની પણ તપાસ કરી રહ્યા છીએ. હાલમાં રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. અકસ્માત બાદથી હોશિયારપુર-જલંધર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. આ દરમિયાન લોકો વળતર અને કેસની તપાસની માગણી સાથે ધરણાં પર બેઠા છે.