
મુંબઈથી સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જતી ફ્લાઇટમાં એક ભારતીય મૂળના ઉદ્યોગપતિએ 15 વર્ષની સગીર છોકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની કબૂલાત કરી છે. કોર્ટમાં તેણે કહ્યું કે તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. ફ્લાઇટ દરમિયાન સગીરા તેની બાજુમાં સૂતી હતી. ભારતીય મૂળના આરોપીને દોઢ વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી, જેના કારણે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેને ભારત ડિપોર્ટ કરવામાં આવશે. ઝુરિચના સરકારી વકીલના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ દરમિયાન છોકરીએ આરોપી સાથે થોડી વાતચીત કરી અને પછી તે સૂઈ ગઈ. આ પછી, આરોપીએ છોકરીના ખભા પર હાથ મૂક્યો અને વારંવાર તેને બેડ ટચ કર્યો અને તેનું જાતીય શોષણ કર્યું.
આ ઘટનાને કારણે છોકરી આઘાતમાં સરી પડી ગઈ અને બોલી કે વિરોધ કરી શકી નહીં. બાદમાં, તેણીએ હિંમત બતાવી અને ફ્લાઇટ એટેન્ડન્ટને ફરિયાદ કરી. ફ્લાઇટ એટેન્ડન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને છોકરીને બીજી સીટ પર લઈ ગઈ. ફ્લાઇટ ઝુરિચ પહોંચતાં જ આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીએ કોર્ટમાં સ્વીકાર્યું કે તે જાણતો હતો કે છોકરી સગીર છે. તેણે એ પણ કબૂલાત કરી કે છોકરીએ કોઈ સંમતિ આપી નથી. કોર્ટે તેને સગીર બાળકી પર બળાત્કાર અને જાતીય શોષણનો દોષી ઠેરવ્યો હતો. તેમ છતાં, તેને દોઢ વર્ષની સસ્પેન્ડેડ સજા ફટકારવામાં આવી હતી, જેનો અર્થ એ થયો કે તેને જેલમાં જવું પડશે નહીં, શરત એ છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનો ન કરે તો.
આ કેસમાં નવો જાતીય ફોજદારી કાયદો લાગુ કરવામાં આવ્યો. આ કાયદો, જે એક વર્ષ પહેલાં અમલમાં આવ્યો, તે “નો મીન્સ નો” (ના એટલે ના)ના સૂત્ર પર આધારિત છે. હવે જો પીડિતા શબ્દો કે હાવભાવ દ્વારા અસંમતિ દર્શાવે, તો તેને બળાત્કાર ગણવામાં આવે છે. પીડિતાની આઘાતની સ્થિતિ પણ અસંમતિના સંકેત તરીકે પૂરતી માનવામાં આવે છે.
સ્થાનિક મીડિયા અનુસાર ચાર્જશીટમાં 15 વર્ષની સગીરાની આઘાતની સ્થિતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે આ કૃત્યોનો પ્રતિકાર કરી શકી ન હતી અને એક શબ્દ બોલ્યા વિના કે હલનચલન કર્યા વિના આ બધું સહન કર્યું. કાયદામાં ફેરફાર પહેલાં, સ્થાનિક કાયદા મુજબ બળાત્કારની વ્યાખ્યા અલગ હતી.
ટૂંકી ચર્ચા બાદ કોર્ટે આ કેસને સ્પષ્ટ ગણ્યો અને સરકારી વકીલની દરખાસ્તને અનુસરી. આ વ્યક્તિને બળાત્કાર અને બાળક સાથે જાતીય કૃત્યોના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો. તેને દોઢ વર્ષની શરતી જેલની સજા મળી, પરંતુ માર્ચથી તે કસ્ટડીમાં હોવાથી તેને આ સજા ભોગવવી નહીં પડે. જેલની સજા ઉપરાંત, આ વ્યક્તિ આગામી પાંચ વર્ષ સુધી સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રવેશી શકશે નહીં અને નાના બાળકો સાથે નિયમિત સંપર્ક ધરાવતી કોઈ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં. સુનાવણી બાદ આ વ્યક્તિને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યો અને તેને ઇમિગ્રેશન ઓફિસને સોંપવામાં આવ્યો.