
રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે. રવિવારે રશિયાની સમાચારી ન્યૂઝ એજન્સી TASSને આપેલા એક ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું કે ભારતીય કંપનીઓ જ્યાંથી શ્રેષ્ઠ ડીલ મળશે ત્યાંથી ઓઈલ ખરીદશે. તેમણે ભારત પર અમેરિકાના 50% ટેરિફને પાયાવિહોણા ગણાવ્યા છે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે કહ્યું, ભારતનું લક્ષ્ય 140 કરોડ લોકોની ઉર્જા સુરક્ષા છે. ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે.ભારત તેના રાષ્ટ્રીય હિતોંની રક્ષા માટે જરુરી પગલા ભરતું રહેશે. ટ્રમ્પે રશિયાથી ઓઈલ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ પહેલા ટ્રમ્પે જુલાઈમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો, જેના કારણે આગામી દિવસોમાં અમેરિકામાં ભારતીય માલની આયાત પર 50% ટેરિફ ચૂકવવો પડશે.
ભારતમાં રશિયન રાજદ્વારી રોમન બાબુસ્કીને 20 ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ પર લગભગ 5% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ચીન પછી ભારત રશિયન ઓઈલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલા, ભારત રશિયા પાસેથી ફક્ત 0.2% (68 હજાર બેરલ પ્રતિ દિવસ) ઓઈલ ઈમ્પોર્ટ કરતું હતું. મે 2023 સુધીમાં, તે વધીને 45% (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું, જ્યારે 2025 માં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં, ભારત રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ ઓઈલ ખરીદી રહ્યું છે.
છેલ્લા બે વર્ષથી, ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા) થી વધુનું રશિયન ઓઈલ ખરીદી રહ્યું છે.
અગાઉ, ટ્રમ્પના ટ્રેડ એડવાઈઝર પીટર નવારોએ ભારત પર રશિયા પાસેથી ઓઈલ ખરીદીને નફાખોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. ગુરુવારે મીડિયા સાથે વાત કરતા, નવારોએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે, ભારતીય કંપનીઓ તેને રિફાઇન કરી રહી છે અને તેને ઊંચા ભાવે વિશ્વને વેચી રહ્યું છે. તેમણે કહ્યું કે આના કારણે રશિયાને યુક્રેન યુદ્ધ માટે પૈસા મળી રહ્યા છે, જ્યારે ભારત નફો કમાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અમને માલ વેચે છે અને તેમાંથી મળતા પૈસાથી રશિયન ઓઈલ ખરીદે છે, જેનાથી ઓઈલ કંપનીઓને ઘણા પૈસા કમાવવામાં મદદ મળે છે. તેથી, ભારત પર ટેરિફ લાદવો જરૂરી છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિનો માર્ગ ફક્ત ભારત થઈને જ જાય છે. ભારતે યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપવાના અમેરિકાના ઘણા આરોપોને ફગાવી દીધા છે. ગયા અઠવાડિયે જ વિદેશ મંત્રી જયશંકરે રશિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત રશિયન ઓઈલનો સૌથી મોટો ખરીદદાર નથી, પરંતુ ચીન છે.