કલોલના પ્રતાપપુરા ગામે પશુની હત્યા

Spread the love

 

ગાંધીનગર જિલ્લાના કલોલમાં પશુ હત્યાની ઘટના બની છે. કલોલમાં અમૃત હોટલ પાસે અજાણ્યા શખસો દ્વારા બે આખલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ નરાધમોએ બંને પશુનાં ગળાં કાપી માથું અલગ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે છત્રાલ ગામના લખાભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, તારીખ 29/8/2025ના સાંજે 7થી 7:30 વાગ્યાની આસપાસ રુદ્રમ પાર્ટી પ્લોટ નજીક ગોચરની જગ્યામાંથી ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં જઈને જોતાં તેમણે બે નર આખલાને મૃત હાલતમાં જોયા. આખલાના મૃતદેહની નજીક જઈને તપાસ કરતાં જણાયું કે બંનેનાં ગળાંના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઊંડા ઘા મારવામાં આવ્યા હતા અને એમાંથી લોહી નીકળી રહ્યું હતું. એક આખલાના શરીર પર 2 સે.મી. પહોળાઈનું કાણું પણ જોવા મળ્યું હતું, જે સૂચવે છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર ભોંકવામાં આવ્યું હતું.
લખાભાઈએ તાત્કાલિક ગામના પૂર્વ સરપંચ શંભુજી ઠાકોર અને ધર્મેશભાઈ દેસાઈને જાણ કરી હતી. સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે અજાણ્યા ત્રણ ઈસમ સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે, જેઓ ઘટનાસ્થળેથી મોટરસાઇકલ લઈને જતા જોવા મળ્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળ પર પ્રતાપપુરા ગામના 50 જેટલા લોકો એકઠા થઇ ગયા હતા. એક સ્થાનિકે કહ્યું હતું કે પહેલાં પણ આવી ઘટના બની હતી. ત્યાર બાદથી ગ્રામજનો નજર રાખી રહ્યાં હતાં. આ ઘટના બાદ આસપાસનાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ગામલોકોએ એકઠા થઈને આવા ક્રૂર કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક ગૌરક્ષકોએ પણ આ ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પશુઓ સાથે આવી ક્રૂરતા આચરનારા શખસો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *