


ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક એમ્બ્યુલન્સમાંથી 3 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, એમ્બ્યુલન્સ ચાલક અંધારાનો લાભ ઊઠાવી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. આર. પરમારની ટીમ ચંદ્રાળા નાકા પોઈન્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે મજરા ચોકડીથી ચંદ્રાલા ગામ તરફના સર્વિસ રોડ પર એક સફેદ રંગની ઈકો એમ્બ્યુલન્સ (નંબર GJ-18-BV-0701)માં વિદેશી દારૂ ભરેલો છે. આ એમ્બ્યુલન્સ હિંમતનગરથી અમદાવાદ તરફ રોંગ સાઈડના સર્વિસ રોડ પરથી પસાર થવાની છે.
પોલીસે બાતમીના આધારે ચંદ્રાળા ગામની આગમન હોટેલ પાસે વોચ ગોઠવી હતી. થોડીવાર બાદ બાતમીવાળી એમ્બ્યુલન્સ આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે સ્પીડ વધારીને ભગાડી હતી. પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો. થોડે આગળ જતાં, ડ્રાઈવર એમ્બ્યુલન્સને ચંદ્રાળા ગામના બ્રિજ નીચે ઊભી રાખી અંધારાનો લાભ લઈને ખેતરોમાં થઈ ભાગી છૂટ્યો હતો. બાદમાં પોલીસે એમ્બ્યુલન્સની તલાશી લેતા તેમાંથી દર્દીની સીટ નીચે અને આજુબાજુના ભાગોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા રૂ.1.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે દારૂ, એમ્બ્યુલન્સ મળીને કુલ રૂ.3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.