કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિમાનમાં શનિવારે મુંબઈથી ગુજરાત આવવા રવાના થયા તે પૂર્વે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનો મુંબઈ પ્રવાસ પૂર્ણ કરીને ગુજરાત આવવા રવાના થયા તે સમયે વિમાનમાં ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે વિમાનમાં ટેકનિકલ ખામીની જાણ થતાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના વિમાનમાં ગુજરાત આવવા રવાના થયા છે.
જણાવી દઈએ કે મુંબઈ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગણેશ ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને ગયા હતા. આ પછી અમિત શાહે પરિવાર સાથે પ્રખ્યાત લાલબાગચા રાજા ગણપતિના દર્શન કર્યા. તેમણે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને રાજ્યના પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી.
અમિત શાહ શનિવારે સવારે સરકારના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં શિંદે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયુક્ત મહાસચિવ અતુલ લિમયે, મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને નવનિયુક્ત મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમ સાથે પણ મિટિંગ યોજી હતી.