અમદાવાદ શહેરમાં વધુ એક વખત બિલ્ડરના કૌભાંડનો ભોગ સામાન્ય રહીશો બન્યા છે. હાથીજણ વિસ્તારમાં આવેલી શાલીન હાઇટ્સ સોસાયટીમાં બિલ્ડરે લગભગ ૨ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવી ફરાર થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાએ સોસાયટીના ૧૫૮ સભ્યોને ભારે આર્થિક નુકસાન સાથે માનસિક પરેશાનીનો સામનો કરાવ્યો છે.
પરંતુ આટલા મોટા પાયે રકમ વસૂલવા છતાં સોસાયટીના નામે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું જ નહોતું. આશ્ચર્યજનક વાત એ છે કે બિલ્ડરે છેલ્લા ૮ વર્ષ સુધી સોસાયટીનું આખું કામકાજ સંભાળ્યું, પરંતુ ક્્યારેય સભ્યોને હિસાબ આપ્યો નહોતો. રહીશોના જણાવ્યા પ્રમાણે, સોસાયટીનું વીજબિલ વર્ષોથી ચૂકવવામાં આવ્યું ન હતું. ધીમે ધીમે વીજબિલ બાકી રકમ ૧૦ લાખ સુધી પહોંચી ગઈ. અંતે ટોરેન્ટ કંપનીએ સોસાયટીનું વીજ કનેકશન જ કાપી નાખ્યું, ત્યારબાદ બિલ્ડરની પોલ ખુલ્લી પડી ગઈ. આ બનાવ બાદ બિલ્ડર સોસાયટી છોડી ને ફરાર થઈ ગયો.
માત્ર એટલું જ નહીં, બિલ્ડર પર અનેક ગંભીર આરોપો છે. એક જ મકાન અનેક લોકોને વેચી નાખવાના તથા સોસાયટીમાં ગાર્ડન માટેની જગ્યાએ વધુ એક બ્લોક ઉભું કરીને પોતાના ખિસ્સા ભર્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ તમામ ગેરરીતિઓના કારણે રહીશો આર્થિક રીતે તેમજ સુવિધાઓના અભાવે કંટાળ્યા છે. રહીશોએ બિલ્ડર વિરુદ્ધ પોલીસ મથકમાં ૮ મહિના પહેલા જ ફરિયાદ નોંધાવી દીધી હતી. છતાં ફરિયાદને લાંબો સમય વીતી જવા છતાં કોઈ સખત કાર્યવાહી થઈ નથી. જેના કારણે સોસાયટીના ફ્લેટધારકોમાં ભારે રોષ છે. સ્થાનિકોએ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે અને માંગણી કરી છે કે બિલ્ડર વિરુદ્ધ તરત જ કડક પગલાં લેવાય તથા રહીશોને ન્યાય અપાય.