
અમદાવાદના બોપલ વિસ્તારમાં VIP રોડ પર વિશ્વનાથ બિલ્ડરની સારથ્ય વેસ્ટ નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર દ્વારા પૈસાની ચૂકવણી ન થતાં મજૂરોએ કામ બંધ કર્યું હતું. આ સમયે ચાર જેટલા શખસોએ સાઈડ પર આવીને તમે કામ કેમ બંધ કર્યું? તમને ઉપરથી મારવાનો હુકમ છે, કહી લાકડી વડે લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરો પર તૂટી પડ્યાં હતાં. લેબર કોન્ટ્રાક્ટરના બરડાના ભાગે લાલ ચકામા પડી ગયા તેવો માર માર્યો હતો. હાલમાં બંને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ બી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે, લેબર કોન્ટ્રાક્ટર અને મજૂરને માર મારવાની ઘટના બની છે. અન્ય લેબર કોન્ટ્રાક્ટર દ્વારા માર મારવામાં આવ્યો છે. આ મામલે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કર્યા બાદ મારામારી કોના કહેવાથી કરવામાં આવી હતી તે સામે આવશે.
શહેરના બોપલ વિસ્તારમાં VIP રોડ ઉપર વિશ્વનાથ બિલ્ડરની સારથ્ય વેસ્ટ નામની કન્સ્ટ્રકશન સાઈટ આવેલી છે, જેના માલિક હિતેશભાઈ વ્યાસ અને સ્વાગત વ્યાસ છે. જામનગરના રહેવાસીએ અને હાલ બોડકદેવ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ પરમાર સાઈટ ઉપર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમના હાથ નીચે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર 20 કારીગર અને 30 મજૂરો કામ કરે છે. ગઈકાલે 31 ઓગસ્ટના રોજ સવારે મુકેશભાઈએ તેમના માનવ કોર્પોરેશનના વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, સર જ્યાં સુધી પેમેન્ટ નહીં કરે, ત્યાં સુધી આવતીકાલથી કામ બંધ રાખીશું. બાદમાં સાંજે સાઇટ ઉપર જે પણ મજૂરો હતા, તેને કહ્યું હતું કે બિલ્ડર દ્વારા આપણને પૈસા આપવામાં આવ્યા નથી, જેથી આવતીકાલથી કામ બંધ રાખવામાં આવશે.
સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ વિશ્વનાથ બિલ્ડરની સારથ્ય વેસ્ટ નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર મુકેશભાઈ અને અન્ય મજૂર હાજર હતા, ત્યારે સગા ઠાકોર નામનો વ્યક્તિ હાથમાં ધોકો લઈને આવ્યો હતો. સાઇડ ઉપર કેમ કામ બંધ રાખવાનું કહે છે, એવું કહ્યું હતું. જેથી મુકેશભાઈએ કહ્યું હતું કે, મેં મારું કામ કર્યું છે, બિલ્ડરને વારંવાર પૈસા ચૂકવવાનું કહેતા પૈસા ચૂકવતા નથી, જેથી કામ બંધ રાખીશું. આટલું કહેતા જગો ઠાકોર ઉશ્કેરાયો હતો અને તને મારવાનો ઉપરથી હુકમ છે, એમ કહી માર મારવા લાગ્યો હતો. જગાની સાથે દશરથ, બકો અને જવાન ઠાકોર પણ માર મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં ભગાભાઈ મીણા નામના મજૂર પણ બચાવવા માટે દોડ્યા હતા તો તેને પણ માર મારવા લાગ્યા હતા. મારામારી થતા આજુબાજુના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા, જેથી ચારેય લોકો ત્યાંથી જતા રહ્યા. જતા-જતા કહેતા ગયા હતા કે, આજે બચી ગયા છો હવે મળ્યા તો જાનથી મારી નાખીશું. બાદમાં સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. લેબર કોન્ટ્રાક્ટર મુકેશભાઈ અને મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે બોપલ પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.