

મંગળવારે રાત્રે પાકિસ્તાનના ક્વેટામાં બલૂચ નેશનલ પાર્ટીની રેલી યોજાઈ હતી. રેલી પૂરી થયા પછી તરત જ એક બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા. 30થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ઘાયલોમાં ભૂતપૂર્વ સાંસદ અહેમદ નવાઝ અને પાર્ટી નેતા મુસા બલોચ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, બલૂચિસ્તાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સરદાર અતાઉલ્લાહ મેંગલની ચોથી પુણ્યતિથિ પર શાહવાની સ્ટેડિયમમાં એક રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ પાર્કિંગમાં આત્મઘાતી હુમલો થયો હતો. માર્ચ મહિનામાં થયેલા લાક પાસ હુમલાની જેમ જ આત્મઘાતી બોમ્બરે બોમ્બ વિસ્ફોટ કરતા પહેલા મેંગલના જવાની રાહ જોઈ હતી. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર દાઢી વગરનો હતો. તેની ઉંમર 35-40 વર્ષની હતી. તેની પાસે બોલ બેરિંગ્સથી ભરેલા લગભગ 8 કિલો વિસ્ફોટકો હતા.