
મીરા-ભાયંદર પોલીસે ડ્રગ્સની દાણચોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે અને તેલંગાણામાં એક મોટી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ફેક્ટરીમાંથી લગભગ 32 હજાર લિટર કાચી MD ડ્રગ્સ જપ્ત કરી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ કાર્યવાહીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ માત્ર 200 ગ્રામ ડ્રગ્સની જપ્તીથી શરૂ થઈ હતી, જેની કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા હતી. પરંતુ આ મામલામાં ઊંડા ઉતરતા, પોલીસને ડ્રગ્સ બનાવવાની આ મોટી ફેક્ટરી સુધી પહોંચ મળી.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા નેટવર્કનું એક મોટું કનેક્શન સામે આવી રહ્યું છે, જે દેશ અને વિદેશમાં ફેલાયેલું છે. ફેક્ટરીમાંથી મળી આવેલા ડ્રગ્સ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહીને ડ્રગ માફિયાઓ સામે મીરા-ભાયંદર પોલીસની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવે છે.
જુલાઈ 2025માં ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી હતી. મુંબઈ પોલીસે લગભગ 400 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો પકડ્યો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસે કર્ણાટકના મૈસુરમાં પણ ડ્રગ્સના કેસમાં દરોડા પાડ્યા હતા.
મૈસુર અંગે, કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે કહ્યું હતું કે, “મેં મૈસુર કમિશનરેટને ખૂબ જ કડક સૂચનાઓ આપી છે. ઉપરાંત, સમગ્ર રાજ્યમાં, હવે દરેક એસપીને સંવેદનશીલ બનાવવામાં આવ્યા છે, અને દરેક કમિશનરેટને આવી ઘટનાઓ ન બને તે માટે ખૂબ જ કડક સૂચનાઓ આપવામાં આવી છે.”
અહીં ઉલ્લેખનિય છે કે દેશમાં ડ્રગ સિન્ડિકેટ ખૂબ મોટી છે. સમયાંતરે પોલીસ તેમની સામે કાર્યવાહી કરતી રહે છે પરંતુ તેમને મૂળમાંથી નાબૂદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડ્રગ સિન્ડિકેટ ભારતના યુવાનોને નિશાન બનાવી રહ્યા છે, જ્યારે ભારતના યુવાનો ભારતની વાસ્તવિક તાકાત છે.