પંચમહાલમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતાં 6 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી છે.
મળતી માહિતી મુજબ, પાવાગઢમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) માલસામાન લઈ જવાનો ગુડ્સ રોપવેનો તાર અચનાક તૂટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
આ દુર્ઘટનામાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને અન્ય 2ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
દુર્ઘટના કેવી રીતે થઈ?
પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાગઢ મહાકાળી મંદિરના નિર્માણ અને યજ્ઞશાળાના કામ માટે ભારે સામાનને ટેકરી પર પહોંચાડવા માટે આ ગુડ્સ રોપ-વેનો ઉપયોગ થતો હતો. આજે અચાનક રોપ-વેનો મુખ્ય દોરડો (rope) તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રોપ-વેનો ઉપયોગ ફક્ત માલસામાન માટે થતો હોવા છતાં, દુર્ઘટના સમયે તેના પર છ મજૂરો હાજર હતા, જેઓ અકસ્માતનો ભોગ બન્યા.
વહીવટી તંત્રની કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને રાહત-બચાવ ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને બહાર કાઢવા અને ઘટનાસ્થળની તપાસ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.